નડિયાદમાં મિલકત બાબતે તકરાર કરી મહિલાને મારી નાખવાની ધમકી
મૃત ભાઈના સસરા, પત્ની સહિત ત્રણ સામે ગુનો
ફ્લેટમાંથી દસ્તાવેજો ચોરી કરતા મૃત ભાઈના સસરાને અટકાવવા જતાં મહિલાને ધક્કો મારી વાળ ખેંચ્યા
નડિયાદમાં રહેતા સેજલ રોનકભાઈ ભટ્ટના ભાઈ શિલ્પનું તા.૩૦ નવેમ્બર ૨૦૨૩ના રોજ મૃત્યુ થયું હતું. શિલ્પનું ઘર ઈન્દિરા માર્ગ પર અયોધ્યાનગર પાસે આવેલા શિલ્પ એપાર્ટમેન્ટમાં આવેલું છે. શિલ્પના અવસાન બાદ તેની પત્ની અંજલી (રહે. નડિયાદ) અને અંજલીના પિતા મુકેશ ભગવત દણાંક (રહે. આણંદ) ઘણા સમયથી મિલકત બાબતે સેજલ સાથે તકરાર કરતા હતા. તેવામાં ગત તા.૨૧ માર્ચ ૨૦૨૪ના રોજ શિલ્પના ઘરનું તાળું તોડી મુકેશ દણાંક અને સેજલના પિતાના ઈન્વેસ્ટમેન્ટનું કામ કરતા પોસ્ટ વિભાગના એજન્ટ હિતેશ દેસાઈ સહિત ચાર શખ્સો ઘરમાં ઘૂસ્યા હતા. મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા તોડી, સેજલના પિતાના ફાઈબર ગ્લાસના વેપારના હિસાબોના કાગળો, પોલીસી, બેંકના કાગળો, શેર સર્ટિફીકેટ સહિતના દસ્તાવેજો એકઠા કરતા હતા. આ અંગે સેજલને જાણ થતાં તેણીએ પોલીસ મથકે જાણ કરી ભાઈના ઘરે પહોંચી હતી. તેણી મોબાઈલમાં રેકોર્ડિંગ કરતા કરતા ફ્લેટમાં જઈ રહી હતી ત્યારે મુકેશે મોબાઈલમાં ચાલુ રેકોર્ડિંગ બંધ કરાવી સેજલને ધક્કો મારી પાડી દીધી હતી. તેણીના વાળ પકડીને, તું હક કમીમાં સહી કરી દે, તારું કશું ઉપજવાનું નથી, તારા ભાઈ શિલ્પને મારી નાખ્યો તે રીતે તને અને તારા પતિને મારી નાખતા વાર નહીં લાગે, હું વકીલ છું તેવી ધમકી આપી મુકેશ સેજલને ધક્કો મારી નાસી ગયો હતો. તેમજ સેજલના પિતાની પીપલગમાં આવેલી ફેક્ટરીમાંથી પણ મુકેશ અને એક શખ્સે જઈ ડોક્યુમેન્ટ લઈ લીધા હતા. આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે મુકેશ, હિતેશ અને અંજલી સામે ગુનો નોંધ્યો હતો.