મહિલા સરપંચના પિતા અને વચેટિયો રૂ. 20,000 ની લાંચ લેતા ઝડપાયા
- કડાણા તાલુકાના દધાલિયાના
- લાભાર્થીના ખાતામાં સરકાર જે રકમ જમા કરાવે છે તેમાં મહિલા સરપંચની પિતાએ ટકાવારી નક્કી કરી હતી
ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના ખાતામાં સરકાર તરફથી જે હપ્તો જમા કરવામાં આવે છે તે હપ્તામાં મહિલા સરપંચ કૈલાશબેન વાગડીયાના પિતા અરવિંદ ભુરાભાઇ વાગડીયા અને તેનો વચેટિયો દિગ્વિજયસિંહ અભેસિંહ પુવાર કમિશન લેતા હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો. ફરિયાદી પાસેથી અરવિંદ વાગડિયા અને દિગ્વિજયસિંહે આવાસ યોજનાના બે હપ્તની ટકાવારી પેટે રૂ. ૨૨,૫૦૦ની માગ કરી હતી.
જો કે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેમણે લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી. મહીસાગર એ.સી.બી. દ્વારા ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન મલેકપુર ચોકડી પાસે,ગૌરી કિરાણા સ્ટોર આગળ વચેટિયો આરોપી દિગ્વીજયસિંહ અભેસિંહ પુવાર ફરીયાદી સાથ વાતચીત કરી રૂ.૨૦,૦૦૦ પંચની હાજરીમાં સ્વીકારતા ઝડપાઇ ગયો હતો આ સમયે સરપંચના પિતા આરોપી અરવિંદભાઇ ભુરાભાઇ વાગડીયા પણ ત્યા હાજર હતા. એસીબીએ બન્ને આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.