અક્ષરધામ પાસે ડમ્પરની ટક્કરે બાઇક સવાર મહિલાનું મોત
ગાંધીનગર : ગાંધીનગર શહેરના અક્ષરધામ મંદિરથી સેક્ટર ૨૦ તરફ જવાના રોડ
ઉપર ગઈકાલે સાંજના સમયે બાઇક ઉપર જઈ રહેલા દંપતિને ડમ્પરના ચાલકે અડફેટે લીધું
હતું અને ગંભીર રીતે ઘાયલ મહિલાનું મોત થયું હતું. આ અકસ્માતની ઘટના બાદ ડમ્પરનો
ચાલક નાસી છૂટયો હતો. જે સંદર્ભ સેક્ટર ૨૧ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ
વધી રહી છે ત્યારે ગઈકાલે સાંજે અક્ષરધામ પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં
મહિલાનું મોત થયું છે. જે ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર તાલુકાના ધરમપુર
ગામમાં રહેતા અને સચિવાલયમાંથી સેવક તરીકે નિવૃત થયેલા સુરેશભાઈ હીરાભાઈ વાઘેલા
ગઈકાલે તેમની પત્ની ઇન્દિરાબેન સાથે બાઈક ઉપર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તેમની
પુત્રીની સાસુની ખબર કાઢવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેમનું બાઈક અક્ષરધામ
સર્કલથી સેક્ટર ૨૦ તરફ પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલા
ડમ્પરના ચાલકે તેમના બાઈકને અડફેટે લીધું હતું અને જે અકસ્માતમાં તેમના પત્ની નીચે
પટકાયા હતા અને તેમના પગ ઉપરથી ડમ્પર ફરી વળ્યું હતું. આ અકસ્માતની ઘટનાને પગલે
આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઘાયલ
ઇન્દિરાબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની તબિયત
લથડતા અમદાવાદ સિવિલ ટ્રાન્સફર કરાયા હતા પરંતુ તબિયત વધુ નાજુક જણાતા ગાંધીનગરની
ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા અને ત્યાંથી ફરીથી સિવિલ લઈ જવાયા હતા જોકે ગંભીર
ઇજાઓને કારણે તેમનું મોત થયું હતું. જેથી અકસ્માતની આ ઘટના અંગે સેક્ટર ૨૧ પોલીસ
દ્વારા ડમ્પરના ચાલક સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૃ કરવામાં આવી છે.