Get The App

શેરબજારમાં ૬૦૦ ટકા જેટલા પ્રોફિટની લાલચમાં મહિલાએ રૃા.૫૦ લાખ ગુમાવ્યા

માત્ર બે મહિનામાં રૃા.૫૦ લાખના રોકાણની સામે રૃા.૩ કરોડ પ્રોફિટ એપ્લિકેશનમાં દેખાતા પૈસા પરત માંગ્યા તો ધમકીઓ મળી

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
શેરબજારમાં ૬૦૦ ટકા જેટલા પ્રોફિટની લાલચમાં મહિલાએ રૃા.૫૦ લાખ ગુમાવ્યા 1 - image

વડોદરા, તા.9 ઇન્સ્ટાગ્રામ પર આવતી જાહેરાત જોઇને શેર તેમજ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે ડાઉનલોડ કરેલી એપ્લિકેશન બાદ રેલવે કર્મચારીની પત્નીએ રૃા.૫૦ લાખ ગુમાવ્યા હતાં. મોટી રકમનો પ્રોફિટ મળશે તેવી લાલચમાં પૈસાનું રોકાણ કર્યા બાદ નફાની રકમ પરત માંગી તો ધમકીઓ મળવાનું શરૃ થતા આખરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે.

વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા તેમજ રેલવે કર્મચારીના પત્ની બિનીતાબેન સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા  હોવાથી તેમના ઇન્સ્ટા એકાઉન્ટ પર ટાર્ગેટ ૬૦૦ ટકા પ્રોફિટ જણાવી બલ્ક નામની એક એપ્લિકેશનની જાહેરાત આવી હતી જેમાં શેર માર્કેટ અને આઇપીઓ તેમજ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરશો તો ૬૦૦ ટકા પ્રોફિટ મળશે તેમ જણાવતા બિનીતાબેને એપ્લિકેશન ડાઉનલોડ કરતાં જ આરોહી નામની એક યુવતીનો ફોન આવ્યો  હતો અને તેણે રોકાણ માટે મીઠી મીઠી વાતો કરી ટાર્ગેટ ૬૦૦ ટકા પ્રોફિટ નામના એક વોટ્સએપ ગૃપમાં બિનીતાબેનને એડ કર્યા હતાં.

તા.૧૫ ઓક્ટોબરના રોજ રૃા.૨૫ હજાર  આરોહીએ જણાવેલ એકાઉન્ટ નંબરમાં જમા કરાવ્યાના થોડા દિવસોમાં ડાઉનલોડ કરેલી એપ્લિકેશનમાં હેલ્પ સેન્ટરમાં રૃા.૨૫ હજારની ડબલ રકમ દેખાતી હતી. થોડા દિવસો બાદ આઇપીઓમાં રોકાણ કરવાનું જણાવતા તેમાં પણ રોકાણ કરવા માટે થોડી રકમ તેમના એકાઉન્ટમાં જમા કરાવી હતી. બાદમાં આરોહીનો ફોન આવ્યો હતો અને જણાવેલ કે તમને બલ્કમાં શેર લાગ્યા છે તેથી મોટો પ્રોફિટ થશે તેમ કહેતાં બિનીતાબેને રૃા.૧૬ લાખ જમા કરાવ્યા હતાં.

એપ્લિકેશનમાં ફરી મોટી રકમનો પ્રોફિટ દેખાતો હતો જેથી ગમે ત્યારે આ પૈસા મળશે તેવા સ્વપ્ન જોતા હતા ત્યારે ફરીથી એનટીપીસીના બલ્ક શેરમાં રોકાણ કરવાનું જણાવતા બિનીતાબેને ફરી રૃા.૩૩ લાખનું રોકાણ કર્યું હતું. આટલી મોટી રકમ તેમણે લોન લઇને અથવા સંબંધીઓ પાસેથી ઉધાર મેળવીને એકાઉન્ટમાં જમા કરાવી હતી. રૃા.૩ કરોડ પ્રોફિટ એપ્લિકેશનમાં જણાતા તા.૨૮ નવેમ્બરના રોજ પૈસા પરત માંગ્યા તો આરોહીએ ધમકીઓ આપવાનું શરૃ કરી દીધું હતું અને વધુ રૃા.૫૦ લાખની માંગણી શરૃ કરી  હતી. દરમિયાન પોતાની સાથે ઓનલાઇન ઠગાઇ થઇ હોવાનું જણાતા આખરે બિનીતાબેને સાયબર ક્રાઇમના પોર્ટલ પર ફરિયાદ કરી હતી.




Google NewsGoogle News