વડોદરાની મહિલા ઇન્વેસ્ટમેન્ટના નામે ફસાઇઃ 7.86 કરોડનો નફો દેખાયો પણ મળ્યો નહિઃ33 લાખ ગૂમાવ્યા
અટલાદરા વિસ્તારમાં રહેતી પ્રતિમા દેવે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૨૧મી માર્ચે સોશ્યલ મીડિયા પર સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટની ટિપ્સ માટેની એડ જોઇ મેં ક્લિક કરતાં મને એક વોટ્સએપ ગુ્રપમાં જોઇન કરવામાં આવી હતી.જે ગુ્રમાં ઘણા નંબર સામેલ હતા.ત્યારબાદ મને એપોલો એક્સ્લુઝિવ સર્વિસ વીઆઇપી ૨૦૫ નામના ગુ્રપમાં જોઇન કરવામાં આવી હતી.
મહિલાએ કહ્યું છે કે,મને ટ્રેડિંગ કરવા માટે એક મોબાઇલ નંબર આપવામાં આવ્યો હતો.જેના પર સંપર્ક કરતાં એપોલો એરિથ એપ ડાઉનલોડ કરવા માટે કહેવાયું હતું. ત્યારબાદ મેં એપ ડાઉનલોડ કરી પાસવર્ડ અને યુઝર આઇડી ક્રિએટ કર્યા હતા.
મારી પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવતું હતું અને તેની સામે મારા એકાઉન્ટમાં રકમ દેખાતી હતી.મેં રૃ.૭૫હજાર ઉપાડતાં તે રકમ પણ મારા ખાતામાં જમા થઇ હતી.જેથી મને વિશ્વાસ બેઠો હતો.મારું બેલેન્સ રૃ.૭.૮૬ કરોડ દર્શાવતું હોવાથી આ રકમ ઉપાડવા જતાં મારી પાસે ૧૦ ટકા ટેક્સ લેખે ૬૭ લાખની માંગણી કરવામાં આવી હતી.જે રકમ મારી પાસે નહિં હોવાથી તેમણે જેટલી રકમ હોય તે ભરવા કહ્યું હતું.મેં કુલ રૃ.૩૩.૫૦ લાખ ભર્યા હતા.જેની સામે મને ૮૦ હજાર પરત મળ્યા હોવાથી મારા ૩૨.૭૦ લાખ પરત મળ્યા નહતા.મારી સાથે ઠગાઇ થઇ હોવાનું જણાતાં સાયબર સેલને જાણ કરી હતી.
પ્રોફિટ કોન્ટેસ્ટમાં વોટિંગ કરી દર અઠવાડિયે પ૦૦૦ મેળવવાની ઓફર હતી
મહિલાએ કહ્યું છે કે,મારી પાસે એપ ડાઉનલોડ કરાવતાં તેમાં રીઅલ સ્ટોક માર્કેટનો ભાવ દેખાતો હતો.મને એક ઓફર આપવામાં આવી હતી.જેમાં એપ્લિકેશનમાં પ્રોફિટ કોન્ટેસ્ટમાં જઇને વોટિંગ કરવાનું હતું.વોટિંગ કરવાથી મને દર અઠવાડિયે રૃ.૫ હજાર મળવાના હતા.પહેલીવાર મારા ખાતામાં રકમ જમા થતાં મને વિશ્વાસ બેઠો હતો.