'આ બાળક કોનું છે?..' પતિની શંકાથી કંટાળી પત્નીએ પોતાના 2 વર્ષના બાળકની કરી હત્યા, એક મહિના બાદ ખૂલ્યું રહસ્ય
Rajkot Crime: રાજકોટમાં એક મહિના પહેલાં 2 વર્ષના બાળકનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો. આ મામલે પોલીસ તપાસ બાદ હવે હત્યાનો ખુલાસો થયો છે. એક મહિના બાદ પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, પિતાની શંકાથી કંટાળીને બાળકની સગી માતાએ જ બાળકની હત્યા કરી દીધી હતી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં વધુ એક આંદોલન: જીસેકની 800 જગ્યા પર ભરતીની માંગ માટે ભૂખ હડતાળની ચીમકી
શું હતી ઘટના?
રાજકોટમાં બેડી નજીક 23 ફેબ્રુઆરી કૂવામાંથી શંકાસ્પદ રીતે 2 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર બ્રિગેડની મદદથી ત્યારે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં બાળકનું પોસ્ટમોર્ટમ કરી આપસાપસના વિસ્તારમાંથી ગુમ થયેલા બાળકની વિગતોના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. અંતે એક મહિના બાદ થોરાળા પોલીસને આ મામલે સફળતા મળી હતી. જેમાં સામે આવ્યું કે, આ બાળક થોરાળાના ભારતનગરમાં રહેતી ભાનુબેન કીહલ નામની મહિલાનું હતું. તેણે પોલીસ સ્ટેશનમાં બાળક ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે તે પોતાના પતિને ફસાવવા માટે કાવતરૂ ઘડી રહી હતી. પરંતુ, પોલીસ તપાસમાં બાદમાં તેણે સત્ય હકીકતનો ખુલાસો કર્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ભાનુબેનનો પતિ તેની સાથે બાળકને લઈને ઝઘડો કરતો હતો. તેના પતિને શંકા હતી કે, ભાનુનો કોઈ અન્ય પુરૂષ સાથે સંબંધ છે અને આ બાળક પણ પોતાનું નથી પરંતુ કોઈ પરપુરૂષનું છે. તે વારંવાર ભાનુબેન સાથે આ બાળક કોનું છે? એવું પૂછીને ઝઘડો કરતો હતો. આ કંકાસથી કંટાળી મહિલાએ પોતાના માસૂમ દીકરાની હત્યા કરી તેનો મૃતદેહ કૂવામાં ફેંકી દીધો હતો અને પતિને દીકરો પ્રેમીને સોંપી દીધો હોવાનું જણાવ્યું હતું.