મટનનો ધંધો કરતી મહિલાને મારકૂટ કરી છરીથી હુમલો
સદર બજારના ખાટકીવાસની ઘટના
મહિલાના ભાઈની દુકાન પાસે મટન વેચવા માટે ટેબલ રાખનાર આરોપીઓને ટપારતાં હુમલો કર્યો
સદર બજારના ખાટકીવાસમાં રહેતા ઝરીનાબેન જમાલભાઈ ચૌહાણ (ઉ.વ.૪૫)એ
નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સદર બજારમાં તે હોટલ ચલાવે છે. ગઇકાલે રાત્રે તેની
હોટલે હાજર હતી ત્યારે તેના નાના ભાઈની દુકાન પાસે યાસીન ઉર્ફે અદી ઇકબાલ ખાટકી, ઇકબાલ ગનીભાઈ ચૌહાણ
અને મનાબેન ઇકબાલભાઈ ચૌહાણે મટન વેચવા માટે ટેબલ રાખ્યાની જાણ થતાં ત્યાં ગઇ હતી.
ત્રણેય આરોપીઓને તેણે અહીં ટેબલ મૂકતા નહીં, આ મારી જગ્યા છે, અમે લાયસન્સ
ધરાવીએ છીએ તેમ કહેતા આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ ગાળો ભાંડી હતી. તેના ભાઈએ ગાળો બોલવાની
ના પાડતા આરોપીઓએ તેને ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી તે છોડાવવા માટે વચ્ચે
પડતા યાસીને છરી કાઢી અને તેને મારવા જતાં તેણે ડાબો હાથ વચ્ચે ધરી દીધો હતો. જેથી
છરી ડાબા હાથની ત્રીજી આંગળીમાં વાગી હતી. જેને કારણે લોહી નીકળવા લાગ્યું હતું.
હોબાળો મચતા આસપાસના લોકોએ તેને વચ્ચે પડી વધુ મારથી બચાવી હતી.
તે વખતે આરોપીઓએ આજ તો બચી ગયા છો, લાગ આવ્યેથી તમને
જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી. બાદમાં તેણે રીક્ષામાં જઇ ખાનગી હોસ્પિટલમાં
સારવાર લીધી હતી. પ્ર.નગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.