સેડલા ગામની પરણિતાને બ્લેકમેલ કરી આઠ લાખના દાગીના-રોકડ પડાવ્યા
- ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા બે સામે ફરિયાદ
- વધુ રૂા. 15 લાખની માગ કરી પતિને મારી નાંખવાની ધમકી આપતા પરિણીતાએ આખરે ફરિયાદ નોંધાવી
સુરેન્દ્રનગર : પાટડી તાલુકાની સેડલા ગામની પરણિતાના ફોટા અને વિડિયો વાયરલ કરી બદનામ કરવાની ધમકી અંગે ફરિયાદ નોંધાઈ છે. બે શખ્સો ૨૦૨૩થી અત્યાર સુધીમાં પરણિતા પાસેથી આઠ લાખથી વધુ રોકડ-ઘરેણા પડાવ્યા હતા. આરોપીઓએ વધુ રૂા.૧૫ લાખની માંગ કરી પતિને મારી નાંખવાની ધમકી આપતા પરણિતાએ બજાણા પોલીસ મથકે બે શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાટડીના સેડલા ગામે રહેતી અને ફરિયાદી પરણિતા ગામના તળાવે કપડા ધોવા તેમજ ઘરની બહાર કચરો નાંખવા નીકળતા હતા ત્યારે ગામના શખ્સો અવાર-નવાર મસ્તી મજાક કરતા હતા. સંપર્કમાં આવ્યા બાદ બંને શખ્સોએ પરણિતા સાથે મજાક મસ્તી કરતા ફોટા અને વિડિયો ઉતારી લીધા હતા. આરોપીઓએ ફોટો અને વીડિયો વાયરલ કરી બદનામ કરવાની પરણીતાને ધમકી આપી રોકડ રકમની માંગ કરતા હતા.
ગત જુલાઈ-૨૦૨૩થી અત્યાર સુધીમાં બંને શખ્સોએ પરણિતાના ફોટા અને વિડિયો વાયરલ કરી બદનામ કરવાની તેમજ પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપીને કટકે કટકે રોકડ રૂા.૧,૪૫,૦૦૦ તેમજ સોનાનો હાર, સોનાનો પંજો, સોનાનું મંગળસુત્ર, સોનાની કડલીયું, બે જોડ બુટ્ટી, બે જોડ કડીયું, સોનાનું લોકેટ, સોનાની વીટી, સોનાનો ચેઈન તેમજ અલગ-અલગ ચાંદીના ધરેણા એમ મળી કુલ રૂા.૭,૪૭,૫૦૦ની કિંમતના દાગીના પણ બળજબરીપૂર્વક કઢાવી લીધા હતા અને વધુ રૂા.૧૫ લાખની બંને શખ્સો દ્વારા માંગ કરી હતી. આ રકમ નહીંં આપે તો બદનામ કરવાની અને પતિને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જે અંગે પરણિતાએ ગામમાં જ રહેતા મહમદખાન હુશેનખાન મલેક અને રસીકખાન ઉર્ફે મુન્નો મચ્છર ઉંમરખાન મલેક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.