કણજરી ગામની મહિલાને યુકેના વિઝાની લાલચ આપી રૂા. 18.40 લાખની ઠગાઈ
વિદ્યાનગર અને વડોદરામાં કન્સલ્ટન્સીની ઓફિસ ખોલી
મહિલાને ઓરિજનલ ડૉક્યૂમેન્ટના બદલે બનાવટી સર્ટિફિકેટની ફાઈલ પરત કરી : દંપતી સહિત ચાર શખ્સો સામે ફરિયાદ
આણંદ: આણંદ પાસેના વિદ્યાનગર અને વડોદરા ખાતે વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ખોલી ચાર શખ્સોએ નડિયાદના કણજરી ગામની મહિલાને વિઝા અપાવવાની લાલચ આપી તેણી પાસેથી રૂપિયા ૧૮.૪૦ લાખ લીધા બાદ વિઝા અપાવ્યા ન હતા. તેણીની બનાવટી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી છેતરપિંડી આચરી હોવાની વિદ્યારનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
નડિયાદના કણજરી ગામના ભાગ્યશ્રીબેન હિરેનકુમાર પટેલ વિદેશ જવા ઈચ્છુક હોવાથી ઉમરેઠ પાસેના લિંગડા ગામના અને વડોદરામાં રહેતા વિશાલભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. વિશાલે વિદ્યાનગર ઈસ્કોન મંદિર પાસે શિવ-શક્તિ ઈમિગ્રેશન ઓફિસે બોલાવતા ભાગ્યશ્રીબેન પતિ સાથે ગયા હતા. જ્યાં વીશાલ પટેલ અને બાકરોલના બ્રિજેશ પટેલે ચાર વર્ષના યુકેના વર્ગ પરમીટ વિઝા તેમજ પુત્રીના પણ ડિપેન્ડન્ટ વિઝા અપાવવા પેટે રૂા. ૨૫ લાખ ખર્ચનું જણાવ્યું હતું. દંપતીએ સંમત થઈ જરૂરી દસ્તાવેજ સાથે ટુકડે ટુકડે રૂા. ૧૮ લાખ રકમ ચૂકવી હતી. બાદમાં ઓફર લેટર અમને બંધ કવરમાં આપી જશો એટલે વિઝાની કામગીરી ચાલુ થઈ જશે તેમ જણાવ્યું હતું. જેથી દંપતીએ કહ્યા મુજબ કર્યું હતું.
ટૂંક સમયમાં વિઝા આવી જશે તેમ કહી દંપતીને વડોદરા ખાતેની ઓફિસે મોકલતા ત્યાં મુકેશ પટેલ અને માર્ગીબેન વિશાલભાઈ પટેલે મેડિકલ સહિતની કાર્યવાહી કરી હતી.
બાદમાં ઘણો સમય વિતવા છતાં વિઝા ન મળતા ઓફિસમાં તપાસ કરતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો. બાદમાં વડોદરાની ઓફિસે જઈ પૈસા અને ફાઈલ પરત માંગતા ત્યાં ફાઈલના ૪૦ હજાર માંગ્યા હતા. દંપતીએ તે ચૂકવી દેતા પરત આપેલી ફાઈલમાં ભાગ્યશ્રીએ મહારાષ્ટ્રના કોલ્હાપુરની શિવાજી યુનિ.માં અભ્યાસ કર્યો ન હોવા છતાં તેમના નામની બનાવટી માર્કશીટ અને સર્ટિફિકેટ પરત મળતા ફ્રોડ થયાનું જણાયું હતું.
આ અંગે વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશાલ પટેલ, બ્રિજેશ પટેલ, મૃગેશ પટેલ અને માર્ગી વિશાલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.