માંડવીના ટકેશ્વર ટોલનાકા નજીક ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત, મહિલાનું મોત, સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ
Dumper-Bike Accident Near Mandavi: રાજ્યભરમાં ડમ્પર ચાલકોનો આતંક વધતો જાય છે. દરરોજ ડમ્પર ચાલકો રાહદારીઓની જીંદગીનો અંત આણી રહ્યા છે. બેફામ બનેલા ડમ્પર ચાલકોને બેખૌફ બન્યા છે તેમછતાં પોલીસ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આજે બે અલગ-અલગ ડમ્પર ચાલકોએ અકસ્માત સર્જ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં માંડવીના ટકેશ્વર ટોલનાકા નજીક બાઇકને ટક્કર મારતાં મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક અકસ્માત સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર મોરવાડ નજીક સર્જાયો હતો. જેમાં એક મહિલા સહિત પાંચ લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. એમ બે અલગ-અલગ અકસ્માતમાં 6 લોકોની જીંદગી હોમાઇ ગઇ છે, જ્યારે 11 જેટલા લોકોને ઇજા પહોંચી છે.
માંડવીના ટકેશ્વર ટોલનાકા નજીક અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કીમ માંડવી હાઇવે પર આવેલા ટકેશ્વર ટોલનાકા નજીક ડમ્પર ચાલકે બાઇક પર જઇ રહેલા માતા-પુત્રની બાઇકને અડફેટે લીધી હતી.જેના લીધે બંને નીચે પટકાયા હતા અને મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે યુવકને ઇજા પહોંચી હતી. અકસ્માતના પગલે સ્થાનિકો ભારે રોષ જોવા મળ્યો હતો. આ અકમ્સાતમાં મહિલાનું મોત નીપજતાં સ્થાનિકોએ ટોલનાકામાં તોડફોડ કરી હતી. જેથી ટોલનાકાના કર્મચારીઓ ભાગી ગયા હતા. પરિસ્થિતિ બેકાબૂ બનતાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા.
સ્થાનિકોએ 3 કલાક સુધી ટોલનાકા પર ચક્કાજામ સર્જી દેતાં ટ્રાફીકજામન દ્રશ્યો સર્જાયા હતા. માંડવી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો.લાંબી માથાકૂટ બાદ પોલીસે સમગ્ર મામલો શાંત પાડી પુન વાહનવ્યવહાર શરૂ કરાવ્યો હતો.
લીંબડી-રાજકોટ હાઈવે પર ડમ્પર અને ટેમ્પો ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત, પાંચ લોકોના મોત
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર મોરવાડ નજીક એક ડમ્પર અને ટેમ્પો ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા સહિત પાંચ લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બનતા જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ અકસ્માતના પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે પોલીસ દ્વારા અકસ્માતને લઈને તપાસ શરૂ કરી દેવાઈ છે.