Get The App

થાન સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત નિપજ્યાનો આક્ષેપ

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
થાન સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત નિપજ્યાનો આક્ષેપ 1 - image


- પોલીસ મથકે ડોક્ટર સામે ગુનો નોંધાયો

- નસબંધીના ઓપરેશન દરમિયાન ખોટી નસ કાપી નાંખતા મોત નીપજ્યાનો પરિવારનો દાવો

સુરેન્દ્રનગર : થાન સરકારી હોસ્પિટલમાં એક મહિલાનું ઓપરશન દરમિયાન ડો.નિર્મલ સોલંકીની બેદરકારીથી મોત નીપજ્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. આ મામલે પોલીસે મહિલાના મોતનું સાચું કારણ જાણવા મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ ખસેડી છે. પોલીસે હાલ ડોક્ટર સામે ફરજમાં બેદરકારીનો ગુનો નોંધી પીએમ રિપોર્ટ બાદ કાર્યવાહી કરવા જણાવ્યું છે.

થાન શહેરી વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય પરિણીત મહિલા કંચનબેન પરમારે નસબંધીનું ઓપરેશન કરાવા થાન સરકારી હોસ્પિટલ ખાતે સાંજના સમયે લાવ્યા હતા. જ્યાં ધ્રાંગધ્રાથી હોસ્પિટલમાં નિયમીત આવતા ડો.નિર્મલ સોલંકીએ મહિલાની તપાસ કરી ઓપરેશન કર્યું હતું. પરંતુ ત્યાર બાદ અચાનક મહિલાની તબીયત લથડતા મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના કારણે ઓપરેશન દરમિયાન અન્ય નસ કાપી નાંખતા મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. મૃતક મહિલાના પરિવારજનોના જણાવ્યા મુજબ મહિલાને ઘરેથી હોસ્પિટલ લાવ્યા ત્યારે સ્વસ્થ હતા અને જાતે ચાલીને હોસ્પિટલે આવ્યા હતા. પરંતુ ડોક્ટરે ઓપરેશન કર્યા બાદ અચાનક તબીયત લથડી હતી અને મહિલાનું મોત નીપજ્યું હતું. મહિલાના મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.

મહિલાના મોતને પગલે પરિવારે હોબાળો મચાવ્યો હતો અને જવાબદાર ડોક્ટર સામે ગુનો નોંધવાની માંગ કરી હતી. જેના ભાગરૂપે થાન પોલીસ મથકે મહિલાનું ઓપરેશન કરનાર ડો.નીર્મલ સોલંકી સામે ફરજમાં બેદરકારી અંગે ગુનો નોંધાયો છે અને ફોરેન્સીક રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું હતું.

બેદરકારી છુપાવા મોડી રાત્રે ઘટાની જાણ કરીઃ પરિવાર

પરિણીત મહિલાનું નસબંધીનું ઓપરેશન બાદ મોડી સાંજે મોત નીપજ્યું હતું પરંતુ કોઈ કારણોસર ડોક્ટર સહિતના સ્ટાફે આ મામલે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો અને મહિલાના મોતની જાણ રાત સુધી પરિવારજનોને કરવામાં આવી નહોતી. રાત્રે અચાનક મહિલાનું મોત નીપજ્યું હોવાની જાણ કરતા પરિવારજનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

મોતનું કારણ જાણવા ફોરેન્સીક પીએમ કરવામાં આવશે

આ મામલે મૃતકના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના કારણે મહિલાના મોતનો આક્ષેપ કરી ડોક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. મહિલાના મોતનું સાચું કારણ જાણવા માટે મહિલાની લાશને ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પીએમ રિપોર્ટ બાદ મહિલાના મોતનું સાચું કારણ બહાર આવશે.


Google NewsGoogle News