કાલાવડ નજીક રોડથી નીચે બાઇક ઉતરી જતાં સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં દંપતી ખંડિત
Jamnagar Accident : જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર લક્ષ્મીપુર ગામના પાટીયા પાસે રોડની કડ પરથી એક બાઈક નીચે ઉતરી જતાં પર પ્રાંતિય દંપત્તિ ખંડિત થયું છે. પાછળની સીટમાં બેઠેલી પત્નીનું નીચે પટકાઈ પડ્યા પછી સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ તપાસ ચલાવે છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામમાં રહેતા શામજીભાઈ પટેલની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા સુનિલભાઈ પદમસિંહ જમરા આદિવાસી અને તેના પત્ની અનિતાબેન જમરા (25) કે જેઓ બંને ગઈકાલે મોટરસાયકલ પર બેસીને કાલાવડ તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન લક્ષ્મીપુર ગામના પાટિયા પાસે પહોંચતાં રોડની કડ ઉપરથી બાઈક રોડથી નીચે ઉતરી ગયું હતું, અને અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં પાછળ બેઠેલા અનીતાબેન નીચે પટકાઈ પડ્યા હતા, અને માથાના ભાગે રોડની કડ લાગવાના કારણે હેડ એન્જરી સહિતની ગંભીર ઇજા થઈ હતી અને, સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતાં તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે પતિ સુનિલભાઈ આદિવાસીએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.