રોડ ક્રોસ કરતી મહિલાને ટેમ્પો ચાલકે ટક્કર મારતા મોત
દંપતી રોડની સાઇડ પર બાઇક પાર્ક કરીને ફૂલો લેવા માટે જતા હતા
,વાસદ નજીક રોડ ક્રોસ કરતા દંપતી પૈકી પત્નીને પૂરઝડપે આવતા ટેમ્પોના ડ્રાઇવરે અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી. ટૂંકી સારવાર દરમિયાન પત્નીનું મોત થયું હતું.
માંજલપુર નવાપુરા ફળિયામાં રહેતા પરેશભાઇ વિનોદભાઇ રાજપૂત અને તેમના પત્ની જ્યોત્સનાબેન ગત ૨૯ મી તારીખે તેઓ વાસદ સંબંધીના ઘરે પ્રસંગમાં ગયા હતા. રાતે ત્યાં રોકાઇને બીજા દિવસે બપોરે એક વાગ્યે તેઓ જમીને પરત વડોદરા આવવા માટે નીકળ્યા હતા. વાસદ કિસ્મત કાઠિયાવાડી હોટલની પાસે તેઓ ફૂલોના હાર લેવા માટે બાઇક રોડની સાઇડમાં પાર્ક કરીને ઉભા રહ્યા હતા. પતિ - પત્ની ફૂલ લેવા માટે રોડ ક્રોસ કરતા હતા. તે સમયે વડોદરાથી અમદાવાદ તરફ જતા આયશર ટેમ્પોના ડ્રાઇવરે તેમના પત્નીને ટક્કર મારતા પત્નીને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત જ્યોત્સનાબેનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, સારવાર દરમિયાન ગઇકાલે રાતે તેઓનું મોત થયું હતું. જે અંગે પરેશભાઇએ વાસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.