રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલ એક હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ખોવાઈ ગયેલા મોબાઈલ ફોન પરત આપવા માટે
ગાંધીગ્રામ-ર પોલીસ મથકના સાયબર વિભાગ રૃમમાં એસીબીએ ટ્રેપ
ગોઠવી હતી
રાજકોટ : રાજકોટના ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ અનિતાબેન ઈશ્વરભાઈ વાઘેલાને એસીબીએ આજે રૃા.૧ હજારની લાંચ લેતાં ઝડપી લીધી હતી. આ સમાચાર વાયુવેગે ફેલાઈ જતાં ભ્રષ્ટ પોલીસ સ્ટાફમાં સન્નાટો મચી ગયો હતો. શહેરમાં લોકોએ પોતાના ખોવાઈ ગયેલા મોબાઈલ ફોન પરત મેળવવા માટે પણ હવે પોલીસને લાંચ આપવી પડે છે તે આજની એસીબી ટ્રેપ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે.
એસીબીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફરિયાદીનો મોબાઈલ ફોન
ખોવાઈ ગયો હતો. પરિણામે તેણે ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં અરજી કરી હતી. ત્યાર પછી
તેનો મોબાઈલ ફોન મળી ગયો હતો. જેથી આરોપી કોન્સ્ટેબલ અનિતાબેને આ મોબાઈલ ફોન પરત
આપવા માટે રૃા.૧ હજારની લાંચ માગી હતી.
ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી એસીબી રાજકોટ એકમના
ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલનો સંપર્ક કર્યો હતો. જેમની સુચનાથી પીઆઈ
પી.એ. દેકાવાડીયાએ ટ્રેપ ગોઠવી હતી.
નકકી થયા મુજબ ફરિયાદી આજે ગાંધીગ્રામ-ર પોલીસ મથકના સાયબર
વિભાગ રૃમમાં ગયા હતા. જયાં આરોપી કોન્સ્ટેબલ અનિતાબેન સાથે હેતુલક્ષી વાતચીત
કર્યા બાદ રૃા.૧ હજારની લાંચ આપી હતી. તે સાથે જ ટ્રેપમાં ગોઠવાયેલ એસીબીની ટીમે
આરોપી કોન્સ્ટેબલ અનિતાબેનને રંગેહાથ ઝડપી લીધા હતા. આ પછી તેના વિરૃધ્ધ ગુનો દાખલ
કરી તપાસ આગળ ધપાવી છે.
ઉલ્લેખનીય છે કે છાશવારે પોલીસ આ રીતે લોકોના ખોવાઈ ગયેલા
મોબાઈલ ફોન જયારે પરત આપવાના થાય ત્યારે મોટા ઉપાડે જાહેરાતો કરતી હોય છે. આ
સ્થિતિમાં આ રીતે ખોવાયેલો મોબાઈલ ફોન પરત આપવા માટે પણ ભ્રષ્ટ પોલીસ લાંચ લે છે
તેનો આજે ખુલાસો થયો છે.