ટેમ્પામાં દારૃનો મોટો જથ્થો લઇને જતી વડોદરાની મહિલા ઝડપાઇ
પાદરા તાલુકામાં મુવાલ ચોકડી પાસેથી રૃા.૫૪.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત ઃ ચાલક સહિત બે ફરાર
પાદરા તા.૨૨ પાદરા તાલુકાની મુવાલ ચોકડી પાસે રાત્રે એક ટેમ્પાનો પીછો કરી પોલીસે ઇલેક્ટ્રિક મોટરોની આડમાં લઇ જવાતા દારૃના મોટા જથ્થા સાથે વડોદરાની એક મહિલાને ઝડપી પાડી હતી જ્યારે મુવાલનો દારૃનો ધંધાર્થી તેમજ ટેમ્પાનો ચાલક ફરાર થઇ ગયા હતા.
આ અંગેની વિગત એવી છે કે ગઇ રાત્રે મુવાલ ચોકડી પાસે વડુ પોલીસનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો ત્યારે એક ટેમ્પો શંકાસ્પદ જણાતા તેને રોકવાનો પ્રયત્ન કરતા રોકાયો ન હતો અને ચાલકે ટેમ્પો ભગાડતા પોલીસે પણ તેનો ફિલ્મી ઢબે પીછો કરીને સિલ્ચર કંપની પાસેથી ઝડપી પાડયો હતો પરંતુ ટેમ્પાનો ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે ટેમ્પામાં તપાસ કરતાં જુદા જુદા બ્રાંડની રૃા.૧૪.૬૫ લાખ કિંમતની દારૃની બોટલો મળી હતી. પોલીસે ટેમ્પો, દારૃનો જથ્થો, એક મોબાઇલ અને ઇલેક્ટ્રિક મોટરો મળી કુલ રૃા.૫૪.૯૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ટેમ્પા સાથે વડોદરાની મહિલા સોનલ ભદ્રસિંહ ઠાકોર (રહે.પ્રિન્સ એન્ડ પ્રિન્સ વિલા, ન્યૂ અલકાપુરી, ગોત્રી-સેવાસીરોડ)ને ઝડપી પાડી હતી જ્યારે ટેમ્પાનો ચાલક તેમજ મુવાલનો બૂટલેગર યતીન ઉર્ફે યતો ઉદેસિંહ ચૌહાણ (રહે.મુવાલ, તા.પાદરા)ને ફરાર જાહેર કર્યા હતાં. પોલીસ તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે હરિયાણાથી દારૃનો જથ્થો ઇલેક્ટ્રિક મોટરોની આડમાં ગુજરાતમાં ઘુસાડાતો હતો.