સાવકા પુત્રને અભ્યાસ છોડાવવા ત્રાસ આપતા પિતાની સાન ઠેકાણે લાવવા માતાએ અભયમને બોલાવી
Vadodara : વડોદરામાં સાવકા પુત્રને અભ્યાસ છોડાવી કામ ધંધે લાગવા માટે ત્રાજ ગુજારતા પિતાની સાન ઠેકાણે લાવવા માટે માતાએ અભયમની મદદ લીધી હતી.
બાપોદ વિસ્તારની અભયમની ટીમ પાસે ગઈકાલે રાત્રે એક મહિલાએ મદદ માગી કહ્યું હતું કે, મારો પતિ મારા અને મારા 14 વર્ષના પુત્ર ઉપર અમાનુષી ત્રાસ ગુજારી રહ્યો છે. હવે અમારાથી સહન થતું નથી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વિરમગામની એક મહિલાએ તેના પતિ સાથે છૂટાછેડા લીધા હોવાથી અર્જુન નામના વડોદરાના પુરુષ સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્ન કરતા પહેલા મહિલાને સગીર વયનો એક પુત્ર હતો. અર્જુને આ પુત્રની દેખરેખ રાખવા અને તેને અભ્યાસ કરી આગળ વધારવા માટે જવાબદારી સ્વીકારી હતી.
પરંતુ થોડો સમય વીત્યા બાદ અર્જુનને પુત્રનું પોષણ અઘરું લાગવા માંડ્યું હતું. જેથી તેણે પુત્રને અભ્યાસ છોડી કામ કરવા માટે દબાણ શરૂ કર્યું હતું. પુત્રએ અભ્યાસ છોડવાનો ઇનકાર કરતા તેને અને તેની માતાને મારઝૂડ કરવામાં આવતી હતી. આખરે અભયમે પિતાનું કાઉન્સેલગ કરી પુત્રની જવાબદારી સ્વીકારી નૈતિક ફરજ છે તેમ કહી કાયદાકીય સમજ આપતા સમાધાન થયું હતું.