કપુરાઇની મહિલા બૂટલેગરની પાસા હેઠળ અટકાયત
એસ.એમ.સી.ના દરોડામાં અને વાડી પોલીસ સ્ટેશનમાં દારૃના ગુનામાં સંડોવણી
વડોદરા,પાસામાં જેલવાસ ભોગવતા આરોપીએ નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્ર અને કપુરાઇની બહુ ચર્ચિત મહિલા બૂટલેગરની મદદથી ફરીથી દારૃનો ધંધો શરૃ કર્યો હતો. આ ગુનામાં પોલીસે મહિલા બૂટલેગરની પાસા હેઠળ અટકાયત કરી છે.
તરસાલી ગામ ચોરાવાળા ફળિયામાં વિદેશી દારૃના ધંધા પર સ્ટેટ મોનિટરીગ સેલની ટીમે દરોડો પાડયો હતો. પોલીસે ચાર આરોપીઓને દારૃની ૬૧૬ બોટલ કિંમત રૃપિયા ૧.૦૮ લાખની સાથે ઝડપી પાડયા હતા. આ ઉપરાંત પાંચ વાહનો, ચાર મોબાઇલ ફોન, દારૃ વેચાણના રોકડા ૧.૩૮ લાખ મળી કુલ રૃપિયા ૮.૯૬ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બહુચર્ચિત મહિલા બૂટલેગર પ્રેમીલા ઉર્ફે રમીલાની સંડોવણી બહાર આવી હતી. આ ઉપરાંત વાડી પોલીસ સ્ટેશનના ગુનામાં પણ તેની સંડોવણી બહાર આવી હતી. જામીન પર છૂટેલી મહિલા બૂટલેગર પ્રેમીલા ઉર્ફે રમીલા ઉર્ફે ભાભી વિશાલભાઇ પ્રજાપતિ (રહે. કુવાવાળું ફળિયું, ડભોઇ રોડ તથા રાજનગર સોસાયટી, ડભોઇ રોડ)ની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં મોકલી આપવામાં આવી છે. પ્રેમીલા સામે અલગ - અલગ પોલીસ સ્ટેશનમાં કુલ ૧૭ ગુનાઓ નોધાયા છે.