Get The App

મહિલા ASI અને માતા-પુત્રી વચ્ચે જાહેરમાં મારામારી - થપ્પડબાજી

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
મહિલા ASI અને માતા-પુત્રી  વચ્ચે જાહેરમાં મારામારી - થપ્પડબાજી 1 - image


કુવાડવા રોડ પરના ડી-માર્ટ પાસે બનેલી ઘટના હડાળા ગામે રહેતી માતા-પુત્રી સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ બી-ડિવિઝન પોલીસમાં નોંધાવાઈ

રાજકોટ, : કુવાડવા રોડ પર ગઈકાલે ટ્રાફિક બ્રાંચે ટુ-વ્હીલર ટો કરતાં માતા-પુત્રી અને મહિલા એએસઆઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી, ઝપાઝપી, સામ-સામે થપ્પડબાજીની ઘટના બની હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં બંને પક્ષો એકબીજાના કાંઠલા પકડતાં અને મારામારી કરતાં-કરતાં જમીન પર પટકાતા દેખાય છે.  બી-ડિવીઝન પોલીસે એએસઆઈની ફરિયાદ પરથી માતા-પુત્રી સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે. 

ટ્રાફિક બ્રાંચના એએસઆઈ રાધિકાબેન મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈકાલે કુવાડવા રોડ પર ડી-માર્ટ પાસેથી નો-પાર્કિંગમાં પડેલું એકટિવા ટો કર્યું હતું. તે સાથે જ તેના માલીક સેજલબેન ભટ્ટી અને તેની સાથે હડાળા ગામના ફિરોઝબાનુ ગુલામહુશેન વળદળીયા અને તેની પુત્રી સમશાબાનુ આવી પહોંચ્યા હતા અને સેજલબેન પાસે કાગળો માંગતા મોબાઈલમાં દેખાડયા હતા. 

તે વખતે ફિરોઝાબાનુએ કહ્યું કે ટો કરેલું એકટિવા નીચે ઉતારી દે, નહીંતર સારાવટ નહીં રહે તેમ કહી ઉધ્ધતાઈભર્યું વર્તન શરૂ કર્યું હતું. આ વખતે સેજલબેને દંડ ભરવાનું સ્વીકારી પોલીસ સાથે માથાકૂટ નહીં કરવાનું કહ્યું હતું. આમ છતાં ફિરોઝાબાનુ અને તેની પુત્રીએ બેફામ ગાળો ભાંડી, એકટિવા નીચે ઉતારવાનું કહ્યું હતું. આટલેથી નહીં અટકતાં તેનો કાંઠલો પકડી, નીચે પાડી દઈ, ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. તેને ડાબા હાથના અંગુઠા પાસેની આંગળીમાં નખ વાગ્યા હતા.  બંનેએ એમ પણ કહ્યું કે અમે કોણ છીએ, તું અમને જાણતી નથી, હવે તું નોકરી કઈ રીતે કરે છે તે જોઈ લેજે તેવી ધમકી પણ આપી હતી. આ દરમિયાન પોલીસ કન્ટ્રોલ રૂમમાં કોઈએ કોલ કરતાં બી-ડિવીઝન પોલીસની પીસીઆર આવી ગઈ હતી. ત્યારે સેજલબેને રૂા. 700નો હાજર દંડ પણ ભરી આપ્યો હતો. આ સમગ્ર ઘટનાની તેની સાથે રહેલા હેલ્પરે વીડિયોગ્રાફી કરી હતી. 


Google NewsGoogle News