એક મહિનામાં ભાજપની બે મહિલા આગેવાનોએ ગળાફાંસો ખાતા ખળભળાટ, કારણ હજુ અકબંધ!
Surat News: સુરત શહેરમાં બે ભાજપની મહિલા આગેવાન અને સરંપચ દ્વારા અગમ્ય કારણોસર આત્યંતિક પગલું ભરી લેવાયું છે. બંને દુઃખદ બનાવોમાં આપઘાતનું કારણ શોધવામાં પોલીસની તપાસ સામે સવાલો ઊઠી રહ્યા છે. સચિન વોર્ડ નં.30ના મહિલા મોરચાના પ્રમુખ દિપીક પટેલના આપઘાતને એક મહિનો થવા આવ્યો છે. હજી સુધી આ કેસમાં નક્કર કારણ સામે આવ્યું નથી. એક જ મહિનામાં નોંધાયેલા બીજા એક બનાવમાં સાયણની મહિલા સરપંચ જિજ્ઞાસા ઠક્કરે બે દિવસ અગાઉ ફાંસો ખાઈ આપઘાત કરી હતો. આ આપઘાત કેસમાં પણ રાજકીય પડદો પાડી દેવાયો હોય બંને કેસ નહીં બોલીને ઘણું કહી રહ્યા હોવાનું રાજકીય જગતમાં ચર્ચાઈ રહ્યું છે.
બંને કેસ શાંત પાડી દેવાયા!
આ બનાવ સુરતના સચિન વિસ્તારમાં ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દિપીકા પટેલ આપઘાત કેસ સાથે સામ્યતા ધરાવે છે. ભાજપની બંને મહિલા આગેવાનો સુખી સંપન્ન પરિવારમાંથી આવતી હતી. દિપીકા પટેલ કેસમાં વિવાદ ઊભો થતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. અહીં પોલીસે રેગ્યુલર પોસ્ટમોર્ટમ કરાવી ડેથબોડી પરિવારને સોંપી દીધી હતી. જિલ્લાના રાજકીય વર્તુળોમાં થઈ રહેલી ચર્ચા મુજબ બપોરે જિજ્ઞાસા ઠક્કરને બે ફોન કોલ્સ આવ્યા હતા. આ ફોન કોલ્સ કોના દ્વારા કરવામાં આવ્યા? ફોન ઉપર બંને વચ્ચે શું વાતચીત થઈ? મહિલા સરંપચના મોબાઈલ ફોનની તપાસ અંગે પણ ભેદભરમ છવાયું છે?
બપોર સુધીમાં એવું તે શું થયું કે સવારે રૂટીન જિંદગી જીવનારા જિજ્ઞાસાબેને બપોરે અચાનક આત્યંતિક પગલું ભરી લીધું? આ તમામ પ્રશ્રે પોલીસ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. બંને કેસનું હાલ તો રાજકીય ઈશારે પડીકું વાળી દેવામાં આવ્યું છે. જોકે, રાજકીય ગલીઓમાં આ બંને કેસમાં અનેક રીતે સામ્યતા હોવાનું કહેવાઈ રહ્યું છે.