ઇચ્છાપોરના ખરી મહોલ્લાના હળપતિઓના મકાનો તોડી પાડવાની નોટિસ પરત ખેંચો

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
ઇચ્છાપોરના ખરી મહોલ્લાના  હળપતિઓના મકાનો તોડી પાડવાની નોટિસ પરત ખેંચો 1 - image



- 30 વર્ષ કરતા વધુ સમયથી રહેતા લોકોના મકાનો રેગ્યુલરાઇઝ કરી સરકારી ચોપડે નોંધવા કલેકટરને રજૂઆત

            સુરત

ઇચ્છાપોરના ખરી મહોલ્લામાં ૩૭ વર્ષથી રહેતા ગરીબ હળપતિઓના મકાનને સરકારી જમીનમાં ગેરકાયદે બાંધ્યા હોવાની નોટીસ ફટકારીને બાંધકામ દૂર કરવાની ચોર્યાસી મામલતદારે નોટીસ આપ્યા બાદ આજે મોટી સંખ્યામાં રહીશોએ જિલ્લા કલેકટરને રજુઆત કરીને નોટીસ પરત ખેંચવાની માંગ કરાઇ હતી.

ચોર્યાસી તાલુકાના ઇચ્છાપોર ગામના બ્લોક નં.૯૫૦ માં આવેલી સરકારી જમીનને લઇને ચોર્યાસી મામલતદારે નોટીસ ફટકારી હતી કે આ જમીનમાં ગેરકાયદે ઝુંપડાનું બાંધકામ કરેલ છે. આ બાંધકામ માટે કોઇની મંજુરી લેવામાં આવી હોઇ તેવુ રેર્કડ પર જણાતુ નથી. આથી જમીન બિનઅધિકૃત બાંધકામ હોવાથી જમીન મહેસુલ કાયદો સને ૧૮૭૯ ની કલમ ૬૧ ની જોગવાઇ મુજબ દૂર કરવાને પાત્ર થાય છે.

આ નોટીસ મળતા જ આજે મોટી સંખ્યામાં ખરી મહોલ્લાના રહીશોએ મોરચો કાઢીને સુરત જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે આ પ્લોટ જમીનો ઉપર ઇન્દીરા આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અલગ અલગ યોજના દ્વારા આજદિન સુધી પાકા મકાનો બનાવ્યા છે. આ મકાનોની આકારણી પંચાયત દ્વારા કરવામાં આવી છે. અને ૩૦ વર્ષ કરતા વધુ સમયથી સદર મકાનોના વેરા પણ કબ્જેદાર દ્વારા ભરપાઇ કરવામાં આવેલ છે. આથી સદર નોટીસ માંડી વાળવા તેમજ જમીન રહેણાંક હેતુસર ફાળવણી કરવામાં આવેલ હોય આ મકાનો સરકારી ચોપડે નોંધવા તેમજ મકાનો રેગ્યુલાઇઝ કરવા માટે જરૃરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી. 


Google NewsGoogle News