સુરતમાં માથાભારે પશુપાલકોની દાદાગીરી : કાપોદ્રામાં ઢોર પકડવા ગયેલી ટીમ પર લાકડી વડે હુમલો
Attack on Cattle Party : સુરત સહિત સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોર સામે કડક કાર્યવાહી થઈ રહી છે તેમ છતાં સુરતમાં કેટલાક પશુપાલકોની દાદાગીરી માઝા મુકી રહી છે. આજે પાલિકાના વરાછા ઝોનમાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર પશુપાલકોએ લાકડી વડે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ પાલિકાએ માથાભારે પશુપાલકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની કવાયત પણ હાથ ધરી છે.
સુરત પાલિકાના વરાછા ઝોનમાં આવેલા કાપોદ્રા બ્રિજ નીચે રખડતા ઢોર પકડવાની ફરિયાદ બાદ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મહાનગર પાલિકાની એક ટીમ દ્વારા રસ્તા પર રખડતાં ઢોર ને ઝડપી પાડવા માટેની કામગીરી શરૂ કરી હતી. આ કામગીરી દરમિયાન પાલિકાની ટીમે બે રખડતા ઢોર પણ પકડી લીધું હતું, પાલિકાની ટીમ કામગીરી કરી રહી હતી ત્યારે અચાનક કેટલાક માથાભારે પશુપાલકો આવી પહોંચ્યા હતા તેઓએ પાલિકાની ટીમ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ત્યારબાદ પકડાયેલા પશુને છોડવી જવા માટે પ્રયાસ કર્યો હતો તેમાં ઝપાઝપી થઈ હતી.
દરમિયાન માથાભારે પશુપાલકોએ પાલિકાની ટીમ પર લાકડી વડે હુમલો કર્યો હતો. પાલિકાની ટીમ પર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો તેના વિડિયો પણ વાયરલ થયા છે તેથી પાલિકાએ આ વીડિયોના આધારે હુમલાખોર પશુપાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કવાયત હાથ ધરી છે.