Get The App

RTE હેઠળના 100 પ્રવેશ રદ કરાતા હવે બાળકો-વાલીઓની હાલત કફોડી

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
RTE હેઠળના 100 પ્રવેશ રદ કરાતા હવે બાળકો-વાલીઓની હાલત કફોડી 1 - image


- ડીઇઓએ વિકલ્પ આપ્યા : અડધા સત્રની ફી ભરી પ્રવેશ લો, એલ.સી લઇ બીજી સ્કૂલમાં પ્રવેશ મેળવો, પ્રવેશ ન મળે તો સરકારી સ્કૂલમાં પ્રવેશ અપાવાશે

        સુરત

રાઇટ ટુ એજયુકેશન એકટ ( આરટીઇ) હેઠળ ઓછી આવક દર્શાવીને ધોરણ-૧ માંપ્રવેશ લેનારા ૧૦૦ વિદ્યાર્થીઓના જિલ્લા શિક્ષણાધિકારીએ પ્રવેશ રદ કરી દીધા બાદ આ વિદ્યાર્થીઓનું ભાવી ના બગડે તે માટે ત્રણ ઓપ્શન આપવામાં આવ્યા છે. જો કે આ કાર્યવાહીના પગલે કાગળ પર ગરીબ એવા માલેતુજાર અન્ય વાલીઓમાં ફફડાટ વ્યાપી ઉઠયો હતો.

દર વર્ષે આરટીઇમાં પ્રવેશ મેળવવા માટે થતી પડાપડી વચ્ચે જે વાલીઓના વાર્ષિક આવક ૧.૨૦ લાખ હોઇ તે જ વાલીઓના સંતાન આરટીઇમાં પ્રવેશ માટે હકદાર બને છે. પરંતુ ધણા વાલીઓની આવક નિયમ મુજબ કરતા વધુ હોવાછતા મામલતદાર કચેરીમાંથી સેટીંગ કરાવીને ઓછી આવકના દાખલા રજુ કરીને પ્રવેશ મેળવતા હોય છે. આવા વાલીઓની સ્કુલ સંચાલકોએ કરેલી ફરિયાદ બાદ શરૃ થયેલી કાર્યવાહીના પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ અલગ અલગ સ્કુલોના ૧૦૦ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરી દીધા હતા.

આ પ્રવેશ રદ કર્યા બાદ વિદ્યાર્થીઓનું ભણતર અટકે નહીં તે માટે વાલીઓને જે સ્કુલોમાં ભણે છે તે જ સ્કુલોમાં અડધા સત્રની ફી લઇને પ્રવેશ ચાલુ રાખવા જણાવ્યુ છે. કયાં તો લીવીંગ સર્ટિફિકેટ લઇને અન્ય સ્કુલમાં પ્રવેશ મેળવી લો. અને કયાં નહીં મળે તો સરકારી સ્કુલોમાં પ્રવેશ હું અપાવીશ. આમ કાગળ પર માલેતુજાર બનેલા વાલીઓની સાથે સાથે સંતાનોની પણ હાલત કફોડી થઇ ગઇ છે.

સ્કૂલના સંચાલકોએ વાલીઓ પાસે બેંકસ્ટેટમેન્ટઆઇ.ટી રિટર્ન, મ્યુચ્યુઅલ ફંડ રોકાણની વિગતો માંગી

સુરત શહેરમાં રાઇટ ટુ એજયુકેશન એકટ ( આરટીઇ ) હેઠળ સ્કુલોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની વાલીઓની સ્થિતિ જોઇને જ પ્રવેશ માટે હકદાર ના હોઇ તેવુ સ્પષ્ટ લાગતુ હોવાછતા સ્કુલ સંચાલકો ચુપ બેઠા હતા. કેટલાક સ્કુલ સંચાલકો આ પ્રવેશને લઇને દર વર્ષે રજુઆતો કરતા હતા. પરંતુ પ્રથમ વખત આ પ્રવેશ રદ કરાયા હોવાથી સ્કુલ સંચાલકોની પણ હિંમત વધી છે. જેમાંથી ઘણી સ્કુલોના સંચાલકોએ નોટીસ બોર્ડ પર તેમજ આરટીઇમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓનેા વાલીઓ માટે એક સુચના જારી કરી છે. જેમાં આગમી બે દિવસમાં માતા-પિતાના આધારકાર્ડ, પાનકાર્ડ, બેન્ક એકાઉન્ટન્ટ, સહિતની આઠ વિગતો મંગાવી છે. આ તમામ ડોકયુમેન્ટો ફરજિયાત રજુ કરવા આદેશ કરાયો છે. આમ આ ડોકયુમેન્ટો રજુ કર્યા બાદ આગામી દિવસોમાં વધુ એડમીશન રદ થાય તો નવાઇ નહીં ?

સ્કુલોએ વાલીઓ પાસે મંગાવેલા ડૉકયુમેન્ટોનું લિસ્ટ

આધારકાર્ડ, પાનકાર્ડ, બેન્ક એકાઉન્ટન્ટ સ્ટેટમેન્ટ, લાઇટબિલ( ૧૨ મહિના)  ગેસબિલ ( ૧૨ મહિનાનું ), નોટરાઇઝ્ડ રેન્ટ એગ્રીમેન્ટ, જો લોન લીધી હોય તો બેન્ક એકાઉન્ટન્ટ, સેવીગ્સ ડોકયુમેન્ટ ( એનએસસી, કેવીપી, મ્યુચ્યલફંડ ) આઇટી રિર્ટન કોપી ( માતા-પિતા) છેલ્લા ત્રણ વર્ષ



Google NewsGoogle News