વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજીની ફેમિલી ઓફિસ ગિફ્ટ સિટીમાં શરૂ થશે
ગાંધીનગર,તા.6 જાન્યુઆરી 2024,શનિવાર
ભારતના નવા નાણાકીય કેન્દ્ર ગિફ્ટ સિટીએ અબજોપતિ અઝીમ પ્રેમજીના પરિવારની ઓફિસને તેની મૂડી વિદેશમાં રોકાણ કરવા માટે મંજૂરી આપી છે જેના કારણે દેશના અમીર ઉદ્યોગપતિઓની ઉમ્મીદ વધી ગઇ છે, કેમ કે તેઓ આવું કદમ ઉઠાવવાની રાહ જોઇ રહ્યાં છે.
ફેમિલી ઇન્વેસ્ટમેન્ટ ફંડ થકી વિદેશમાં સરળતાથી રોકાણ કરવું શક્ય
પ્રેમજી ઇનવેસ્ટને ગિફ્ટ સિટીમાં ફેમિલી ઇન્વેસ્ટમેન્ટ ફંડ સેટઅપ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફેમિલી ઇન્વેસ્ટમેન્ટ ફંડની એક ડઝન જેટલી અરજીઓ પડતર છે. મંજૂરી મળ્યા પછી ફેમિલી વિદેશોમાં એસેટ ક્લાસ અને ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરી શકશે.
પ્રેમજી ઇન્વેસ્ટ અને અરબપતિ નારાયણ મૂર્તિના કૈટરમરન વેન્ચર્સ એવું છે કે જેને સૌથી પહેલાં મંજૂરી મળી હતી. ગિફ્ટ સિટીનું સંચાલન કરનારી ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર ઓથોરિટી (આઇએફએસસીએ) એ આ મામલામાં કોઇ પ્રતિક્રિયા આપી નથી.
ભારતમાં ચીનની જેમ વિદેશોમાં રોકાણ કરવા માટે કડક નિયમો છે. ભારતમાં રહેતા લોકો દર વર્ષે વિદેશમાં 2.50 લાખ ડોલર એટલે કે 2.08 કરોડ રૂપિયા સુધીનું રોકાણ શેર, પ્રોપર્ટી અને સિક્યોરિટીમાં કરી શકે છે, જેમાં વિદેશોમાં જોઇન્ટ વેન્ચર્સ અને સબસિડરીઝમાં રોકાણ સામેલ છે. ગિફ્ટ સિટી એ મોદી સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે અને તેનું લક્ષ્ય નિયમો અને કરમાળખાથી મુક્ત એક નાણાકીય કેન્દ્ર બનાવવાનું છે.
ભારતીયોની સંપત્તિ જેમ જેમ વધી રહી છે તેમ તેમ ફેમિલી ઓફિસનો ગ્રોથ અને પોર્ટફોલિયોમાં ડાઇવર્સિફિકેશનની માગણીને જોર મળી રહ્યું છે. 2022માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નિયમમાં કેટલીક છૂટછાટ આપતાં કેટલાક અમીરોએ વિદેશમાં રોકાણ ઓફિસ સેટઅપ કરવાનું શરૂ કર્યું હતું. જો કે કેટલાક મહિના પછી રેગ્યુલેટરે બેન્કર્સને કહ્યું હતું કે નિયમોમાં જે ઢીલ મળે છે તેનો ઇરાદો વિદેશમાં ફેમિલી ઓફિસ ખોલવાનો નથી.ગિફ્ટ સિટીમમાં આ પ્રકારના ફંડ માટે વ્યાપક ફ્રેમવર્ક છે. ગિફ્ટ સિટીની નિયમનકારી સંસ્થા દેશમાં સંપત્તિનું રોકાણ કરવા ઇચ્છુક પ્રવાસી ભારતીયો અને ઉભરતા બજારમાં અવસરોની તલાશ કરી રહેલા વિદેશીઓ માટે એક પસંદગીનું સ્થાન બનવા માગે છે.