શિયાળો અંતિમ તબક્કામાં હજુ ગુરૂવાર સુધી ગુલાબી ઠંડી રહેશે
તાપમાનમાં અનિયમિત વઘ ઘટનો દોર ચાલુ
આગામી ત્રણેક દિવસ ૧૨થી ૨૫ કિ.મી.ના ઝડપે પવન ફૂંકાવાની નિષ્ણાંતોની આગાહીઃ કચ્છમાં સામાન્ય ઝાકળ વર્ષાની સંભાવના
આજરોજ ભુજમાં ૧૩.૮ ડીગ્રી તાપમાન નોંધાયું હતું તે નોર્મલ કરતા એક ડીગ્રી વધુ હતું. હવામાન નિષ્ણાંતોના મતે આગામી તા.૧૦ ફેબુ્રઆરી સમયગાળામાં પવન ઉતર- પશ્વિમ- ઉતર તથા ઉતર પૂર્વના રહેવાની સંભાવન છે. એટલે ત્રણેક દિવસ પવનની ગતિ વધુ રહેશે. તા.૬-૭ ફેબુ્રઆરીએ ૧૨થી ૨૫ કિ.મી.ની ઝડપના પવન ફુંકાવાની સંભાવના છે. જયારે બાકીના દિવસોમાં પવનની ગતિ ૮થી ૧૫ કિ.મી. રહેશે.
આજે આકાશમાં છુટાછવાયા વાદળો દેખાયા હતા. આવતીકાલે પણ આવો જ માહોલ રહેવાની સંભાવના છે. તા.૬થી ૮ ફેબુ્રઆરીમાં પણ છુટા છવાયા વાદળો જોવા મળશે. કચ્છમાં સામાન્ય ઝાકળ વર્ષા થવાની સંભાવના છે. તા.૫-૬ ફેબુ્રઆરીએ ગુલાબી ઠંડીનો માહોલ રહી શકે છે. આ દિવસોમાં તાપમાન નોર્મલ અથવા તેનાથી સામાન્ય નીચુ રહી શકે છે. જો કે, હવે તાપમાનનું નોર્મલ લેવલ વધવામાં છે. નોર્મલ તાપમાનની રેન્જ ૧૨થી ૧૪ ડીગ્રી ગણાય છે. એટલે તાપમાન નોર્મલથી થોડું નીચું ઉતરે તો પણ ગુલાબી ઠંડીનો અહેસાસ થશે.