નોનયુઝ જાહેર કરાયેલા મકાનો તોડી પડાયા પહેલાં બારી, દરવાજાની ચોરી
કરે કોઇ અને ભરે કોઇ જેવો ઘાટ ઘડાયો
કોન્ટ્રાક્ટર્સ અને તંત્ર ભેખડે ભરાવાની સ્થિતિ છતાં ફરિયાદ નહીં આવાસો તોડતી એજન્સીઓ ૫૦ ટકા નીચા ભાવો ભરવા લાગી
ગાંધીનગર : પાટનગરના વિવિધ સેક્ટરોમાંનાં ૩૫૦૦ જેટલા સરકારી આવાસને નોનયુઝ જાહેર કરાયાં પછી તેને તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. પરંતુ મળતર નહીં રહેતાં મકાનો તોડતી એજન્સીઓ ૫૦ ટકા નીચા ભાવ ભરવા લાગી છે. કેમ, કે આવા મકાનોમાંથી બારીઓ અને ગેલેરી કે પેસેજની લોખંડની ગ્રીલ અને લાકાડાનાં બારી, દરવાજા વિગેરેની ચોરીઓ થવાથી કોન્ટ્રાક્ટર્સ અને તંત્ર બન્ને માટે ભેખડે ભરાવાની સ્થિતિ આવી છે.
સેક્ટર-૧૬માં સ્થિત પાટનગર યોજના ભવનના આ પ્રકરણની વાતો આખરે જાહેર થઇ ગઇ છે અને ભવનના પાકગ નજીકના કીટલી વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. સ્ટ્રક્ચરલ સર્વેના અંતે સેક્ટરોમાં સ્થિત અને મોટાભાગે નાના કર્મચારીઓને ફાળવાતાં જ, છ અને ચ ટાઇપના ૩૫૦૦ જેટલા સરકારી આવાસને જોખમી જાહેર કરાયાં હતાં. એટુ ઝેડ સમારકામ કરવા છતાં આ મકાનો રહેવા માટે સુરક્ષિત કરી શકાય તેમ નહીં હોવાથી આખરે તેને નોનયુઝ જાહેર કરાયાં હતાં. સરકારની સુચનાથી તેને તોડી પાડવા માટે પાટનગર યોજના વિભાગ દ્વારા કરાયેલી દરખાસ્તોને પણ મંજુરીઓ આપી દેવાઇ હતી. જેના પગલે ટેન્ડર કરીને એજન્સીઓને કામ સોંપાયાં હતાં. એજન્સીઓ દ્વારા પુરા ભાવ ભરીને ટેન્ડર લેવાયા પછી સ્થળ પર પહોંચ્યા ત્યારે મકાનોમાંથી બારીઓ અને ગેલેરી કે પેસેજની લોખંડની ગ્રીલ અને લાકાડાનાં બારી, દરવાજા વિગેરે ગુમ જણાતા કામ બંધ કરી દેવાયાના કિસ્સા બન્યાં છે. આવી એજન્સીઓને નોટિસ પણ અપાઇ છે, પરંતુ ચોરીની ફરિયાદો કરાઇ નથી. સરવાળે કોન્ટ્રાક્ટર અને તંત્ર બન્ને ભરાઇ ગયાં છે. બીજી બાજુ નવા ટેન્ડર ભરનારી એજન્સીઓ હવે ૫૦ ટકા ભાવ ભરવા લાગી છે.