ઓફિસ અવર્સમાં અરજદારો માટે વિન્ડો, દુકાનદારો માટે દરવાજેથી અંદર એન્ટ્રી
રાંદેરની પુરવઠા ઝોન કચેરીનું અવનવું
- ઓફિસના દરવાજા અંદરથી બંધ કરીને અરજદારોના કામકાજ બે બારીમાંથી કરાય છે : ફિલ્મોમાં સરકારી કચેરીની હાલત બાતવાય તેવી સ્થિતિ
સુરત
એકબાજુ કેન્દ્ર સરકાર દરેક ગરીબો સુધી અનાજ મળી રહે તે માટે તે માટે આદેશો કરી રહ્યુ છે. ને બીજી બાજુ ગુજરાતના સુરતમાં આવેલી રાંદેર પુરવઠા ઝોન કચેરી એવી છે કે ઓફિસ અર્વસ દરમ્યાન અંદરથી બંધ કરી દેવામાં આવે છે.અરજદારોને બારીમાંથી જ કામકાજ કરાવે છે. બંધ ઓફિસમાં અરજદારો માટે નો એન્ટ્રી અને દુકાનદારો માટે એન્ટ્રી હોવાથી અરજદારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સામાન્ય રીતે કોઇ પણ કચેરી હોય તે જાહેર જનતા માટે ખુલ્લી મુકવાની હોય છે. અને જેના કારણે કચેરીને લગતા કોઇ પણ કામો હોય તો અરજદારો સરળતાથી કરી શકે છે. જેમાં ખાસ કરીને ગરીબો માટે પુરવઠા ઝોનની કચેરીઓ આર્શીવાદરૃપ સમાન છે. કેમકે નેશનલ ફુડ સિકયુરીટી એકટ હેઠળ અનાજ મેળવવા માટે પુરવઠા ઝોનની કચેરી સુધી જવુ પડે છે. સાથે જ સરકારની કોઇ પણ યોજનામાં રેશનકાર્ડ મહત્વના હોવાથી પુરવઠા ઝોનની કચેરીમાં અરજદારોને વારંવાર જવુ પડતુ હોય છે. જો કે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી રાંદેર પુરવઠા ઝોનની કચેરી ખુલ્લી રાખવાના બદલે ઓફિસ અર્વસ દરમ્યાન દરરોજ અંદરથી બંધ રાખવામાં આવે છે. અને ઓફિસ બહારની બે બારીઓ ખુલ્લી રાખીને અરજદારોને બહારથી જ રવાના કરી દેવાય છે.
કોઇ પણ અરજદારોએ પ્રશ્નોને લઇને પુછપરછ કરવી હોય તો બારીમાંથી જ કરવાની હોય છે. અંદર અરજદારોને એન્ટ્રી જ નથી. આ ઓફિસમાં ફકતને ફકત દુકાનદારોને એન્ટ્રી મળતી હોય તેમ કોઇ પણ દુકાનદાર આવે તો તુરંત જ ઓફિસના દરવાજા ખુલ્લા કરી દેવામાં આવે છે. આ માટે કોમ્પ્યુટર ઓપરેટરોની દાદાગીરી જવાબદાર હોવાનું અરજદારો જણાવે છે. જેમાં આ અઠવાડિયે ઝોનલ ઓફિસર રજા પર જતા આખો દિવસ કોમ્પ્યુટર ઓપરેટરોએ તોબા પોકારી દીધા હતા. અંદરથી ઓફિસ બંધ કરીને ફકત એવો જવાબ મળતો હતો કે સાહેબ રજા પર છે. એટલે કોઇ કામ થશે નહીં. અને અંદર વ્યાજબી ભાવના દુકાનદારો સાથે બેસીને ગોષ્ઠી થતી હતી. અને અરજદારો ધક્કા પર ધક્કા ખાતા હતા.
અરજદારોએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે આ તો મોદીનું ગુજરાત છે. અને આ રીતે કચેરીઓ બંધ રાખવામાં આવતી હોવાથી ફિલ્મોમાં બિહાર કે ઉતરપ્રદેશની કચેરીમાં જોયુ હતુ તેવુ જ રાંદેર પુરવઠા ઝોનની કચેરીમાં જોવા મળતુ હોવાથી સરકારે ઓફિસ બંધ રાખવાની પ્રથા બંધ કરાવીને કોઇ પણ અરજદાર માટે ઓફિસ અર્વસ દરમ્યાન ખુલ્લી રાખવી જોઇએ.
અગાઉના કલેકટરે તમામ કોમ્પ્યુટર ઓપરેટરોની ધરમૂળથી બદલીઓ કરી દીધી હતી
સુરત
જિલ્લાના અગાઉના કલેકટર આયુષ ઓકે ફરિયાદો મળતા કોમ્પ્યુટર ઓપરેટરોની ડમૂળથી બદલીઓ કરી નાંખી હતી. જેમાં પુરવઠા ઝોન કચેરીમાં
કામ કરતા હોય તેને સીધા જમીનની કામગીરીમાં મુકયા હતા. તો જમીનની કામગીરી કરનારાઓને
પુરવઠા ઝોનમાં મુકયા હતા. આ વચ્ચે કેટલાક એવા હતા કે જેમની બદલીઓ એક પુરવઠા ઝોનની કચેરીમાંથી
બીજી પુરવઠા ઝોનની કચેરીમાં કરાઇ હતી. બસ આ જ કારણોસર આવા કોમ્પ્યુટર ઓપરેટરોની દાદાગીરી
એક ઝોનમાંથી બીજા ઝોનમાં શરૃ થઇ હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. જેથી આવા ઓપરેટરો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.