Get The App

પુનરાવર્તનનો પવન : જિલ્લાની 3 પાલિકામાં બેઠકના વધારા સાથે ભાજપનો ભગવો લહેરાયો

Updated: Feb 19th, 2025


Google NewsGoogle News
પુનરાવર્તનનો પવન : જિલ્લાની 3 પાલિકામાં બેઠકના વધારા સાથે ભાજપનો ભગવો લહેરાયો 1 - image


- સિહોર અને ગારિયાધાર નગરપાલિકામાં 'આપ'ની પ્રથમ વખત એન્ટ્રી

- 3 તાલુકા પંચાયતની 5 બેઠક અને ભાવનગર મહાપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ, સોનગઢની બેઠક પણ ગુમાવી : ભાજપને કુલ 7 બેઠકનો વધારો

ભાવનગર : ભાવનગર જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જનાદેશ જાહેર થઈ ગયો છે. ત્રણ પાલિકામાં ભાજપે બેઠકોના વધારા સાથે સ્પષ્ટ બહુમતીથી પ્રચંડ વિજય મેળવી ભગવો લહેરાવ્યો છે. તો પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસના ભૂંડા હાર કરી મનપા અને તાલુકા પંચાયતની છ બેઠક ઉપર કબજો કરી લીધો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને કુલ સાત બેઠકનો વધારો થયો છે. તો ધારાસભા, જિલ્લા પંચાયત બાદ હવે નગરપાલિકાઓમાં પણ આપની એન્ટ્રી થઈ ચુકી છે.

ભાવનગર જિલ્લાની તળાજા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપના ખાતામાં ૧૭ બેઠક આવી છે. તો કોંગ્રેસના ૧૧ ઉમેદવારે જીતનો સ્વાદ ચાખ્યો છે. બે બેઠક ઉપર લડનારી આમ આદમી પાર્ટીના બે ઉમેદવારે હારની સાથે ડિપોઝીટ પણ ગુમાવી છે. ગત ચૂંટણીમાં તળાજા નગરપાલિકામાં ૧૬ નગરસેવક સાથે ભાજપનું શાસન હતું. તેમાં એક બેઠકનો વધારો થયો છે. જ્યારે કોંગ્રેસને એક સીટની ખોટ ગઈ છે. તળાજાના સાત વોર્ડ પૈકી ભાજપ-કોંગ્રેસની બે-બે વોર્ડમાં પેનલ આવી છે. તેમજ ત્રણ વોર્ડમાં કોંગ્રેસને એક-એક સીટ મળતા ભાજપની પેનલ તોડવામાં સફળતા મળી છે.

સિહોર નગરપાલિકાની ૩૬ બેઠક માટે ૧૦૦ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા હતા. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ સીધો જંગ હોવાનું માનવામાં આવી રહ્યું હતું. પરંતુ ચૂંટણી પરિણામો કોંગ્રેસ માટે ચિંતાજનક સામે આવ્યા છે. કોંગ્રેસ અહીં માત્ર આઠ બેઠક પર જ સિમિત થઈ ગઈ હતી. જ્યારે ભાજપને એક બેઠકના વધારા સાથે જનતા જનાર્દને ૨૫ સીટ ઉપર વિજયી બનાવી ખાડે ગયેલા નગરપાલિકાના વહીવટની દોરી સોંપી છે. તો છેલ્લી ત્રણ ટર્મથી અપક્ષમાંથી વિજેતા બનતા ઉમેદવારને ભાજપે ટિકિટ આપતા તેઓ આ ચૂંટણીમાં પણ ભાજપની અપેક્ષામાં ખરા ઉતર્યા હતા અને વોર્ડ નં.૬માં કોંગ્રેસને પેનલની જીત થતા અટકાવી હતી. સિહોર પાલિકામાં એક બેઠકના વધારા સાથે અપક્ષના બે ઉમેદવાર ઉપર જીતનો કળશ ઢોળાયો હતો. તેમજ પ્રથમ વખત લડતી આમ આદમી પાર્ટીએ પણ ખાતું ખોલાવી એક બેઠક જીતી હતી.

ગારિયાધાર ન.પા.ની ચૂંટણીમાં ભાજપના દબદબાને તોડવા માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. પરંતુ ચૂંટણી પરિણામો જોતા કોંગ્રેસે ગઠબંધન કરી ખોટનો ધંધો કર્યો હતો. ગત ચૂંટણીમાં ૨૮માંથી ૧૪ ભાજપ, ૧૪ કોંગ્રેસ પાસે બેઠક હતી. પરંતુ સત્તાની લાલસામાં ગઠબંધનના ભેખડે ભરાયેલી કોંગ્રેસને આજના જનાદેશમાં ૪ બેઠકની ખોટ આવી છે. ભાજપે ૧૮ બેઠક પર જીત મેળવી સ્પષ્ટ બહુમતી  , ભાજપને ચાર બેઠકનો વધારો, સિહોરમાં અપક્ષની એક બેઠક વધી, તળાજામાં ભાજપ-કોંગ્રેસને બે-બે પેનલ, ચાર વોર્ડમાં કોંગ્રેસ પક્ષ પેનલ તોડવામાં સફળ રહ્યો હતો.

ભાવનગર જિલ્લામાં ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ઉપરાંત ત્રણ તાલુકા પંચાયતની પાંચ બેઠક માટે પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં ભાવનગર (ગ્રામ્ય) તા.પં.ની લાખણકા, તળાજા તા.પં.ની નવા-જૂના રાજપરા, ઉંચડી, સિહોર તા.પં.ની વળાવડ બેઠક ભાજપે જાળવી રાખી છે. જ્યારે કોંગ્રેસ પાસે રહેલી સોનગઢ બેઠક આંચકી લઈ ભાજપે ભગવો લહેરાવ્યો છે. ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.૩ની એક બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે પૂર્વ નગરસેવક અને જૂનાજોગીને મેદાનમાં ઉતાર્યા હોવા છતાં પણ મતદારોએ ભાજપને જ પસંદ કરી આ બેઠક પર પણ ભાજપને ત્રણ હજારથી પણ વધુની લીડ સાથે જીત અપાવી હતી. મનપાની ચૂંટણીમાં નીચા મતદાનનો ફાયદો કોંગ્રેસને થશે તેવી ધારણા હતી. પરંતુ આ ધારણા કોંગ્રેસ માટે ઠગારી જ નિવડી હતી.

સામાન્ય અને પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય સાથે ભાજપે ભગવો લહેરાવી જીતનો જશ્ન મનાવ્યો હતો. શહેર-જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષના વિજેતા ઉમેદવારોએ પક્ષના કાર્યકરો, મોવડીઓને સાથે રાખી વિજય સરઘસ પણ કાઢ્યા હતા. વિજેતા નગરસેવકો-સભ્યોને ફૂલહાર પહેરાવી મોં મીઠા કરી જીતના અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ગારિયાધારમાં કોંગ્રેસે ગઠબંધન કરી ખોટનો ધંધો કર્યો, ભાજપને ચાર બેઠકનો વધારો, સિહોરમાં અપક્ષની એક બેઠક વધી, તળાજામાં ભાજપ-કોંગ્રેસની બે-બે પેનલ, ત્રણ વોર્ડમાં કોંગ્રેસ પેનલ તોડવામાં સફળ

કોંગ્રેસે ગામડામાં પણ જનાધાર ગુમાવ્યો

દેશના રાજકારણમાં ભાજપનું વધી રહેલું વર્ચસ્વ હવે સ્થાનિક ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ ઉપર હાવી થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એક સમયે ગામડાઓ કોંગ્રેસનો ગઢ મનાતો હતો. પરંતુ ગ્રામ્ય વિસ્તારના મતદારો કોંગ્રેસની વિચારધારાથી વિમુખ થઈ રહ્યા હોવાના કારણે પંજાની પાંખ કપાવા લાગી છે. આજે જિલ્લામાં ન.પા., તા.પં. અને મનપાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપને બેઠકોનો વધારો થયો છે, તેથી કોંગ્રેસે હવે જે-જે બેઠકો પર જીતની આશા હતી. ત્યાં મળેલી હારના કારણો તપાસવા આત્મમંથન કરવું જરૂરી બની ગયું છે.


Google NewsGoogle News