લગ્ન છૂટા કરવાનું દબાણ કરતા પત્નીએ ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો
- પતિને મહિલા સાથે અનૈતિક સબંધ હતો
- મૃતકના ભાઈએ બનેવી વિરૂદ્ધ ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી
આ સમગ્ર બનાવની જાણવા મળતી વિગત અનુસાર ગઢડા તાલુકાના ગઢાંળી ગામે સાસરું ધરાવતા શાંતુબેનના લગ્ન ૨૧ વર્ષ પહેલા મુકેશભાઈ બધાભાભાઈ વાઘેલા સાથે થયા હતા.લગ્ન જીવન દરમિયાન બે પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો હતો. શાંતુબેનના પતિ મુકેશને સુરત ખાતે રહેતી મહિલા સાથે અનૈતિક સંબંધ બંધાયો હતો.ત્યારથી પતિ મુકેશ પત્ની અને બાળકોને મૂકી સુરત રહેવા માટે જતા રહ્યા હતા.અને પત્ની શાંતાબેન અને બાળકો ગઢાળી ખાતે રહેતા હતા.અને પતિ ગઢાળી આંટો મારવા આવે ત્યારે પતિ - પત્ની વચ્ચે ઝઘડા થતા હતા.પરંતુ શાંતુબેન પુત્ર અને પુત્રીના ભવિષ્યનો વિચાર કરી ઘર સંસાર ચલાવવા મજબૂર હતા.અને લગ્ન છુટા કરવાનું દબાણ પતિ મુકેશ વારંવાર કરતો હતો.આ ત્રાસથી કંટાળી શાંતુબેને ૧૪ ફેબ્આરી ૨૦૨૫ ના રોજ રાત્રિના અગીયાર વાગ્યાના સમયે પોતાના ઘરમાં ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈએ બનેવી વિરુધ્ધ ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.