બ્યૂટી પાર્લરની કેબિનમાં પત્ની અને પ્રેમીને કઢંગી હાલતમાં પતિએ ઝડપ્યા
પતિ કૂદીને કેબિનમાં ઘૂસ્યો તો પત્નીએ બચકૂ ભર્યું અને તેના પ્રેમીએ લાતો મારી ઃ કપડાં પહેરી પ્રેમી ભાગી ગયો
વડોદરા, તા.12 શહેરના આજવારોડ પરના કોમ્પ્લેક્સના એક બ્યૂટી પાર્લરમાં પ્રેમી સાથે ભર બપોરે રંગરેલિયા મનાવતી પત્નીને પતિ અને તેના મિત્રએ રંગે હાથ બીભત્સ હાલતમાં ઝડપી પાડતાં પત્ની અને તેના પ્રેમીએ પતિ અને તેના મિત્ર પર હુમલો કર્યો હતો.
ડભોઇ તાલુકાના એક ગામમાં રહેતા વિશ્વાસે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું માતા સાથે રહી ખેતી કામ કરું છું. ઓગસ્ટ-૨૦૦૯માં મેં વડોદરામાં રહેતી દિપીકા સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. લગ્ન બાદ એક પુત્ર છે જે શાળામાં અભ્યાસ કરે છે. મારે અને પત્ની સાથે વારંવાર ઝઘડો થતાં એક વર્ષ પહેલાં તે વડોદરા ખાતે તેના પિતાના ઘેર રહેવા માટે જતી રહી હતી. બાદમાં પત્નીએ મારી પર ત્રાસની પોલીસમાં ફરિયાદ તેમજ કોર્ટમાં ભરણપોષણ અને છૂટાછેડાનો કેસ કર્યો છે.
મારી પત્નીને અમારા ગામમાં રહેતા પ્રેમ પટેલ સાથે આડા સંબંધો છે. મારી પત્ની વડોદરામાં આજવારોડ પર પંચમ પાર્ટી પ્લોટની સામેના કોમ્પ્લેક્સમાં એક બ્યૂટી પાર્લર ચલાવે છે અને પ્રેમ વારંવાર મારી પત્નીને મળવા જાય છે તેવો મને શક હતો. તા.૩ના રોજ બપોરે હું અને મારો મિત્ર બંને સ્કૂટર પર સરદાર એસ્ટેટથી આજવારોડ જતા હતા ત્યારે મારી પત્નીના બ્યૂટીપાર્લરના કોમ્પ્લેકસના પાર્કિગમાં તેના પ્રેમીની કાર જોતાં મને શક ગયો હતો અને હું તેમજ મારો મિત્ર બંને બ્યૂટી પાર્લર પર ગયા હતાં.
રિસેપ્શનમાં બે છોકરીઓને પૂછતાં એક છોકરીએ દીદી કરીને બૂમ પાડતાં જ મને શક ગયો હતો અને છથી સાત ફૂટ ઊંચા કેબિનમાં ઉપર ચડીને જોયું તો પત્ની અને તેનો પ્રેમી બંને કઢંગી હાલતમાં હતાં. હું કૂદીને અંદર ઉતર્યો તો પત્નીએ મને ખભા પર બચકું ભર્યું હતું અને તેના પ્રેમીએ મને લાત મારી હતી. મારો મિત્ર કેબિનની ઉપર ચડીને મોબાઇલમાં શુંટિંગ ઉતારતો હતો ત્યારે પત્નીએ મોબાઇલ ઝૂંટવી લીધો હતો જેથી મિત્ર પણ કૂદીને અંદર આવતા તેને પગે ફેક્ચર થયું હતું. આ વખતે પત્નીનો પ્રેમી દરવાજો ખોલીને ભાગી ગયો હતો.