અનૈતિક સંબધોમાં કાંટારૂપ પતિનું પત્નીએ પ્રેમી સાથે મળી કાશળ કાઢી નાંખ્યું
- ધ્રાંગધ્રાના એંજારમાં છોટાઉદેપુરના ખેત મજૂરના મોતના કેસનાં નવો વળાંક
- પતિની હાર્ટ એટેક કે અન્ય કારણોસર મોત થયાની પત્નીએ પરિવારજનો સમક્ષ થિયરી રજૂ કરી હતી ઃ ખેતરના સીસીટીવી ફૂટેજમાં સમગ્ર હકિકત બહાર આવી : પત્ની, પ્રેમી સહિત ત્રણ સામે હત્યાની ફરિયાદ
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાના એંજારમાં છોટાઉદેપુરના ખેત મજૂરના મોતના કેસનાં નવો વળાંક આવ્યો છે. અનૈતિક સંબધોમાં કાંટારૂપ પતિનું પત્નીએ પ્રેમી અને અન્ય એક શખ્સ સાથે મળી કાશળ કાઢી નાંખ્યું હતું. પતિની હાર્ટ એટેક કે અન્ય કારણોસર મોત થયાની પત્નીએ પરિવારજનો સમક્ષ થિયરી રજૂ કરી અંતિમ વિધી કરી નાખી હતી. પરંતુ ખેતરના માલિકે સીસીટીવી ફૂટેજમાં સમગ્ર હકિકત બહાર આવી હતી. આ મામલે તાલુકા પોલીસ મથકે પત્ની, પ્રેમી સહિત ત્રણ સામે હત્યાની ફરિયાદ નોંધાઇ છે.
હાલ ધ્રાંગધ્રા તાલુકાનાં એંજાર ગામની સીમમાં આવેલી વાડીમાં રહેતા અને મૂળ છોટાઉદેપુરના દડી ગામ ખાતે રહેતા નારાયણભાઈ વેરશીભાઈ રાઠવા (ઉ.વ.૪૦) વાળાનું ગત તા.૨૨ જાન્યુઆરીની રાત્રે સુતેલી હાલતમાં મોત નીપજ્યું હતું. તે સમયે મૃતકની પત્ની ભાવનાબેને હાર્ટએટેક કે કુદરતી રીતે મોત નીપજ્યું હોવાનું પરિવારજનો સહિત સગા-સબંધીઓને જણાવ્યું હતું અને બીજે દિવસે સવારે મૃતકના વતન છોટા ઉદેપુરના દડી ગામે મૃતદેહને લઈ જઈ અંતિમવિધિ કરવામાં આવી હતી.
આ બનાવ બાદ વાડીના માલિક દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા મૃતક નારાયણભાઈ રાઠવાની હત્યા નીપજાવી હોવાનું બહાર આવ્યું હતું. જે મામલે વાડીના માલિકે મૃતકના પરિવારજનોને જાણ કરતા મૃતકના ભાઈ ગોવિંદભાઈ વેશીભાઈ રાઠવા (રહે.દડી, જી.છોટા ઉદેપુર)એ આ મામલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે મૃતકના પત્ની ભાવનાબેન નારાયણભાઈ રાઠવા, તેના પ્રેમી પ્રતાપભાઈ રાઠવા અને એક અજાણ્યા શખ્સ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરતા મૃતકના પત્ની ભાવનાબેનને આરોપી પ્રતાપ રાઠવા સાથે પ્રેમ સબંધ હોવાથી બંને સાથે રહેવા માંગતા હતા. પરંતુ મૃતક નારાયણભાઈ તેમા બાધા સમાન હતા. આથી તેની હત્યા નીપજાવવાનું એકસંપ થઈ ષડયંત્ર રચ્યું હતું અને ગત તા.૨૨ જાન્યુઆરીના રોજ રાત્રીના સમયે પતિ નારાયણભાઈ વાડીમાં રાબેતા મુજબ ખાટલામાં સુતા હતા તે દરમ્યાન દોરી વડે ગળે ટુંપો દઈ મોત નીપજાવ્યું હતું. જે મામલે મૃતકના પત્નિ, પ્રેમી સહિત ત્રણ શખ્સો સામે હત્યા અંગેનો ગુન્હો નોંધી ધ્રાંગધ્રા તાલુકા પોલીસે સીસીટીવી સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.