વડોદરાની ચકચારી ઘટના, વિધવા માતાનો પ્રેમી બન્યો હેવાન, સગીરા પર અનેકવાર આચર્યું દુષ્કર્મ
Vadodara Minor Girl Molested : વડોદરા જિલ્લાના ડભોઇ નગરમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીરા કન્યા પર કન્યાની વિધવા માતા સાથે પતિ તરીકે રહેતા અજાણ્યા વ્યક્તિએ એકલતાનો લાભ લઈ બે વાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ડભોઇ પોલીસ મથકમાં નોંધાઇ હતી. પોલીસે હવસખોરની ધરપકડ કરી છે. પીડિતાએ ફાંસીની સજાની માગ કરી છે.
ડભોઇમાં શ્રમજીવી પરિવારની સગીરા કન્યાના પિતાનું 11 વર્ષ પૂર્વે અવસાન થયું હતું. તેની માતા અને ભાઈ સાથે રહેતી કન્યાના વિધવા માતાના પતિ તરીકે છેલ્લા સાત વર્ષથી લાલા નગીનભાઈ વસાવા રહેતો હતો. સગીરાની માતા મજૂરી કામે જાય ત્યારે લાલા વસાવા પોતાની દીકરી સમાન સગીરા ઉપર દાનત બગાડતો હતો અને અવારનવાર અડપલા કરતો હતો. તેથી કન્યાને લાલા વસાવા તેની માતા સાથે પતિ તરીકે રહે તે પસંદ ન હતું. પરંતુ તે વિરોધ કરી શકતી ન હતી.
ત્રણ માસ પહેલા સગીરા ઘરમાં એકલી હતી અને તેની માતા મજૂરી કામે ગઇ હતી. ત્યારે કન્યાની એકલતાનો લાભ લઈને હવસખોર લાલા વસાવાએ દુષ્કર્મ આચર્યું હતું. અને કોઇને આ બાબતની જાણ ન કરવા માટેની ધમકી આપી હતી. બાદ હવસખોરે ત્રણ દિવસ પૂર્વે પુનઃ એકવાર સગીરાની એકલતાનો લાભ લઇને મરજી વિરુદ્ધ ઘરમાં જ દુષ્કર્મ આચર્યું હતું. અને ફરી સગીરાને કોઇને જાણ ન કરવા માટે ધમકી આપી હતી.
ત્રણ દિવસ પહેલા સગીરા ઘરમાં રડતી હતી. તે દરમિયાન ઘરે આવી પહોંચેલી નાનીએ સગીરાને રડવાનું કારણ પૂછ્યું હતું. તેણે લાલા વસાવાએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. તે જ સમયે મજૂરી કામેથી પરત ફરેલી સગીરાની માતાએ પણ દીકરીને રડવાનું કારણ પૂછતાં સગીરાએ કાકા લાલા વસાવાએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. તેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે લાલાને શોધવા માટે શરૂખોળ કરી હતી. અને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સગીરાએ દુષ્કર્મ આચરનારને ફાંસીની સજાની માંગણી કરી છે.