ઝાકિયા જાફરીની અરજી સુપ્રીમ કોર્ટે કેમ ફગાવી? કોર્ટે શું અવલોકન કર્યા?
અમદાવાદ,તા.24 જૂન 2022,શુક્રવાર
ગોધરા ખાતે સાબરમતી ટ્રેનમાં કારસેવક ઉપર થયેલા હુમલા બાદ વર્ષ ૨૦૦૨માં સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. કેટલાક સ્થળોએ લઘુમતિ કોમના સભ્યોને જીવતા સળગાવી નાખવામાં આવ્યા હતા. આ જધન્ય ઘટનામાં એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ૬૩ અન્ય સામે એવા આક્ષેપ થયા હતા કે તેમના ઈશારે આ રમખાણ થયા છે અને તે પૂર્વયોજિત કાવતરા હેઠળ ચોક્કસ સમુદાયના લોકોને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા.
આ કેસની તપાસમાં સુપ્રીમ કોર્ટે નીમેલી સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT)એ નરેન્દ્ર મોદી અને અન્ય ૬૩ને ગોધરા અને તેના પછીનું તોફાન એક ષડ્યંત્ર હોવાના, આ વ્યક્તિઓની આ કોમી હિંસામાં ભૂમિકા હોવાના આરોપમાંથી મુક્ત કરતો અહેવાલ ફેબ્રુઆરી ૨૦૧૨માં રજૂ થયો હતો. SITના અહેવાલમાં ચોક્કસ પુરાવા અને નિવેદનને અવગણવામાં આવ્યા છે અને આ લોકો સામે ફરીથી તપાસ થવી જોઈએ એવી અરજી અમદાવાદના ગુલબર્ગ હત્યા કાંડના બચી જનારા, પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીએ કરી હતી. આ અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધા બાદ આજે સુપ્રીમ કોર્ટે પણ SITની તપાસ યોગ્ય હતી, નરેન્દ્ર મોદી કે અન્ય વ્યક્તિઓની આ રમખાણમાં કોઈ ભૂમિકા હતી નહી, રમખાણો પૂર્વયોજિત ષડ્યંત્ર હતા નહી એવો ચુકાદો આપ્યો છે.
આજના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે SITની કામગીરીની સરાહના કરી છે. આ રમખાણ અંગે વિવિધ સ્ફોટક પણ ખોટા નિવેદન કરનારા અધિકારીઓ સામે પગલાં લેવાવા જોઈએ એવું અવલોકન કર્યું છે અને સમગ્ર ઘટના ષડ્યંત્ર કેમ હતું નહી એવું જણાવી એક ઘટના ઉપર કાયમી પડદો પાડી દીધો છે.
SITની કામગીરી ઉત્તમ રહી
વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં ફાટી નીકળેલા રમખાણો અંગેની તપાસ માટે સુપ્રીમ કોર્ટે નીમેલી SITની કામગીરી અંગે આજે સુપ્રીમ કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો હતો.
વર્ષ ૨૦૦૨ પછીની ગુજરાતની સ્થિતિ, લઘુમતિ સામે થયેલી હિંસા અને તેની તપાસ માટે SITની તપાસ ઉત્તમ રહી છે. SITએ પોતાનો અંતિમ અહેવાલ ફેબ્રુઆરી ૨૦૧૨માં ફાઈલ સોંપ્યો હોત જેમાં એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય ૬૩ની ગોધરાકાંડ, તે પછી ફાટી નીકળેલી હિંસા અને સમગ્ર મામલે કોઈ ભૂમિકા નહી હોવાનું જણાવ્યું હતું. SITની તપાસ, હાથમાં આવેલા પુરાવા, લોકોના નિવેદનના આધારે આ અહેવાલ તૈયાર થયો હતો અને તેના અંતે એવો નિષ્કર્ષ આવ્યો હતો કે આ આક્ષેપો ખોટા છે.
SITના અહેવાલના આધારે અમે એવું ચોક્કસ કહી શકીએ કે જેમના નામ સંડોવાયેલા ગણવામાં આવ્યા હતા તેમની કોઈ ભૂમિકા આ રમખાણોમાં હતી નહી. તેમણે કોઈ ષડ્યંત્ર રચ્યું હતું નહી.
કેટલાક અધિકારીઓએ પગલાં લીધા નહી એટલે ષડ્યંત્ર હોવાનું કેમ મનાય?
સુપ્રીમ કોર્ટે આજે અવલોકન કર્યું છે કે કેટલાક અધિકારોએ તોફાનો દરમિયાન નબળી કામગીરી કરી હોય કે તેમણે પગલાં ન લીધા હોય તેનો મતલબ એવો નથી થતો કે સમગ્ર ઘટના એક ષડ્યંત્ર હતી અને તેના માટે રાજ્યનું તંત્ર જવાબદાર હતું.
SITની તપાસમાં કેટલાક અધિકારીઓની કામગીરી અંગેની નોંધ લેવામાં આવી છે અને તેમની સામે યોગ્ય સ્તરે પગલાં લેવામાં આવ્યા છે. આ રીતે કોઈએ પગલાં નથી લીધા તેનો મતલબ એમ થઇ શકે નહી કે સમગ્ર ઘટના એક પૂર્વયોજિત કાવતરું છે. નવ જેટલા તોફાનના કેસની તપાસમાં SITને એવા કોઈ પુરાવા નથી મળ્યા કે જેનાથી આ ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી હોય એવું પુવાર થાય.
ગુજરાતના અસંતુષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ
વર્ષ ૨૦૦૨માં ગોધરા ખાતે સાબરમતી ટ્રેનની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાટી નીકળેલા તોફાનો અંગે ખોટા, નકલી અને જ્વલનશીલ નિવેદનો કરનારા ગુજરાતના અધિકારીઓ સામે તપાસ થવી જોઈએ એવું અવલોકન સુપ્રીમ કોર્ટે કર્યું છે.
એ લોકો પોતે જાણતા હતા કે આ નિવેદનો ખોટા છે છતાં તેમણે આ તોફાનો અંગે બોલવાનું ચાલુ રાખ્યું હતું. આ અંગે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પૂર્વ મંત્રી (જેમની પછીથી હત્યા થઇ હતી) હરેન પંડ્યા અને IPS ઓફિસર સંજીવ ભટ્ટે કરેલો દાવો કે પોતે કન્ટ્રોલરૂમમાં હાજર હતા જ્યાંથી તોફાન કરનારા લોકોને મદદ પહોચાડવામાં આવી રહી હતી. આ તથ્ય અંગે તપાસમાં કોઈ પુરાવા કે હકીકત સામે આવી નથી. આવી જ રીતે ગુજરાતના પૂર્વ DGP શ્રીકુમારે પણ ખોટા નિવેદન કર્યા હતા.
આવા અધિકારીઓએ કરેલા મુખ્યમંત્રી અંગેના નિવેદન કે તેમણે મુખ્યમંત્રી કોઈ બેઠકમાં હાજર હતા ત્યારે પોતે પણ હાજર હોવાનો દાવો સાવ ખોટો પુરવાર થયો છે અને આવા અધિકારીઓ સામે કાયદાની જોગવાઈ અનુસાર કાર્યવાહી થવી જોઈએ.