સુરતમાં મોટા ઉપાડે ખાડોત્સવ શરૂ કરીને પાણીના બેઠોલો પાલીકાનો વિપક્ષ બન્યો ચર્ચાનો મુદ્દો : મૌન અંગે પ્રજાનો આક્રોશ
image : Filephoto
Surat Corporation : સુરત શહેરના તમામ વિસ્તારમાં ચોમાસા દરમિયાન અનેક રસ્તાઓ તૂટ્યા હતા અને પડેલા ખાડાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. લોકોનો આક્રોશ જોઈને પાલિકાના વિપક્ષે મોટા ઉપાડે ખાડોત્સવ શરૂ કર્યો હતો. શહેરના સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં દુઃખોત્સવ ઉજવીને ખાડા પર પદાધિકારીઓ અને અધિકારીનું નામકરણ પણ કર્યું હતું. ખાડા મુદ્દે ભારે પ્રસિધ્ધિ મેળવ્યા બાદ સામાન્ય સભામાં અચાનક વિપક્ષ ખાડા મુદ્દે મૌન ધારણ કરી લીધું હતું. સભા બાદ પાલિકા કેમ્પસમાં ચર્ચા ચાલી રહી છે કે, એવા તે કેવા ખાડા પૂરાયા કે વિપક્ષે સામાન્ય સભામાં શહેરના તૂટેલા રસ્તા અંગે મૌન ધારણ કરી લીધું ? ખાડા અંગે ભાજપ-આપનું સેટિંગ કે કોન્ટ્રાક્ટર સાથે સેટીંગ તે અંગે અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.
સુરત શહેરમાં વરસાદના કારણે શહેરના તમામ વિસ્તારોમાં ખાડા પડી ગયા હતા. સુરત શહેરમાં પડેલા ખાડા અને તૂટેલા રસ્તાના કારણે વાહન ચાલકોની હાલત કફોડી થઈ ગઈ હતી. અને સુરતીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. તૂટેલા રસ્તા અંગે સુરતીઓમાં ભારે આક્રોશ જોઈને પાલિકાના વિપક્ષે તક ઝડપી લીધી હતી. પાલિકાના વિપક્ષે સૌરાષ્ટ્રીયન બહુમતીવાળા એવા પુણા, વરાછા વિસ્તારમાં દુઃખોત્સવ જાહેર કર્યો હતો. આ વિસ્તારમાં ખાડા હતા તેમાં વિપક્ષે મ્યુનિ. કમિશનર, મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, શાસક પક્ષ નેતા, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓના ફોટો લગાવી ખાડાનું નામકરણ કર્યું હતું.
શહેરના તૂટેલા રસ્તા અને ખાડા અંગે વિપક્ષે આક્રમકતા દાખવી હોવાથી સામાન્ય સભામાં ખાડા અંગે વિપક્ષ પસ્તાળ પાડે અને પાલિકા તંત્ર, કોન્ટ્રાક્ટરો અને ભાજપ શાસકોની ઝાટકણી કાઢશે તેવું લાગતું હતું. જોકે, આનાથી વિપરીત પાલિકાના વિપક્ષે ખાડા કે તૂટેલા રસ્તા અંગે કોઈ પણ ટિપ્પણી કરવાનું કે વિરોધ કરવાનું ટાળ્યું હતું અને વાત આડે પાટે લઈ ગયા હતા. પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષનું બિસ્માર રસ્તા અંગે મૌનના કારણે વિવાદે જન્મ લીધો છે. લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે વિપક્ષ વિરોધ કરે છે અને પ્રસિદ્ધિ મેળવે છે પરંતુ સામાન્ય સભામાં વિરોધ કરવાના બદલે પલાયન વૃત્તિ દાખવે છે. વિપક્ષની આ બેવડીનીતિ અનેક વખત ખુલ્લી પડી હોવાથી પાલિકા કેમ્પસ અને લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે, એવા તે કેવા ખાડા પૂરાયા કે વિપક્ષે સામાન્ય સભામાં શહેરના તૂટેલા રસ્તા અંગે મૌન ધારણ કરી લીધું ? શહેરના તુટેલા રસ્તા અંગે વિપક્ષે પહેલા આક્રમકતા દાખવી હતી હજુ પણ અનેક રસ્તા ખરાબ છે તેમ છતાં સામાન્ય સભામાં ખાડા મુદ્દે મૌન રહેતા ભાજપ-આપનું સેટિંગ કે કોન્ટ્રાક્ટર સાથે સેટીંગ તે અંગે અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.