મારો પતંગ કેમ કાપ્યો ?યુવક પર લાકડીથી હુમલો
મકરપુરામાં પતંગ તોડી લેતા યુવકને કહેવા જતા માર માર્યો
વડોદરા,કિશનવાડી અને મકરપુરામાં પતંગ કાપવા તથા તોડવાના મુદ્દે મારામારી થતા બે યુવકોને ઇજા થઇ હતી.
કિશનવાડી વુડાના મકાનમાં રહેતા રાજેશ કનુભાઇ માછીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે વાસી ઉત્તરાયણ હોવાથી સાંજે પાંચ વાગ્યે હું મારા બ્લોકની અગાશી પર પતંગ ચગાવવા ગયો હતો. અમારા બ્લોકની પાછળના બ્લોકમાં કેટલાક લોકો પતંગ ચગાવતા હતા. મેં તેઓની પતંગ કાપતા તે બ્લોકમાં રહેતા આશિષ દરબારે અમારા બ્લોક પર આવી ઝઘડો શરૃ કર્યો હતો કે, અમારી પતંગ કેમ કાપી ? તેણે ઉશ્કેરાઇને અગાશી પર પડેલી લાકડી લઇને માથામાં મારી દીધી હતી. મેં બૂમાબૂમ કરતા બ્લોકના અન્ય લોકો ભેગા થઇ જતા આશિષ દરબાર ત્યાંથી ભાગી ગયો હતો.
જ્યારે અન્ય એક બનાવમાં મકરપુરા રોહિત વાસમાં રહેતા પ્રકાશ કરશનભાઇ રોહિતે માંજલપુર પોલીસ સ્ટેશનમાં રાહુલ રાજપૂત, મનિષ રાજપૂત, કલ્પેશ તથા સૈયમ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આરોપીઓ અમારી પતંગ તોડતા હોઇ મેં તેઓનેકહેવા જતા મારી સાથે ઝઘડો કરી માર માર્યો હતો.