જામનગરના આ મહારાજા પર ફિદા છે આખું પોલેન્ડ, આજે પણ ત્યાંના રસ્તા-પ્રોજેક્ટ્સ તેમના નામે...
Jam sahib Digvijay Singh helped Poland childrens during second world war: જામનગરમાં અંબાણી પરિવારના પ્રિ વેડિંગ ફંક્શન માટે વિશ્વભરની હસ્તીઓ એકત્ર થઈ રહી છે. ત્યારે જામનગર એક એવું સ્થળ છે જેને કોઈ પરિચયની જરૂર નથી. તો આજે યાદ કરીએ જામનગરના એક એવા રાજાને, જેને આજેય આખું પોલેન્ડ દિલથી માનસન્માન આપે છે. પોલેન્ડની ઘણી શેરીઓ, રસ્તા અને પ્રોજેક્ટ્સને જામનગરના આ રાજાનું નામ અપાયું છે. આ રાજા એટલે મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહજી રણજીત સિંહજી. તેઓ નવાનગરના જામનગરના આ રાજાએ બીજા વિશ્વ યુદ્ધમાં પોલેન્ડના 600થી વધુ પોલિશ બાળકો અને મહિલાઓને બચાવ્યા હતા. તો ચાલો જાણીએ શું છે એ રસપ્રદ ઐતિહાસિક ઘટના...
શું છે પોલેન્ડ અને ગુજરાતના જામનગરનું કનેક્શન?
હિટલરે પોલેન્ડ પર આક્રમણ કરીને બીજા વિશ્વયુદ્ધની શરૂઆત કરી ત્યારે પોલેન્ડના સૈનિકોએ તેમની 500 મહિલાઓ અને લગભગ 200 બાળકોને જહાજમાં બેસાડી સમુદ્રમાં છોડી દીધા હતા. તેમજ જહાજના કપ્તાનને કહેવામાં આવ્યું કે તેઓને કોઈ પણ દેશમાં લઇ જાઓ કે જ્યાં તેમને આશ્રય મળી શકે અને અમે યુદ્ધમાં બચી જશું તો ફરી મળીશું.
રાજા જામ સાહેબ દિગ્વિજય સિંહજીએ આપી શરણ
500 પોલીશ મહિલાઓ અને 200 બાળકો ભરેલું જહાજ જયારે ઈરાન પહોંચ્યું તો ત્યાં આ લોકોને શરણ ન મળી. ત્યારબાદ ઘણા દેશ દ્વારા તેમની સાથે આવું જ વર્તન થયું. અંતે આ જહાજ ભટકતું ગુજરાતના જામનગર પહોંચ્યું. ત્યારે જામનગરના તત્કાલીન રાજા હતા રાજા જામ સાહેબ દિગ્વિજય સિંહજી. તેમણે જામનગરથી 25 કિમી દૂર બાલાચડીમાં આ લોકોને શરણ આપી. તેમના માટે તેમના ઘરના દરવાજા ખોલી દીધા હતા. મહારાજાએ એટલું જ નહીં, પરંતુ મહારાજાએ નવ વર્ષ સુધી આટલા લોકોની સંભાળ પણ લીધી. તેમના ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરી હતી. આ ઉપરાંત આ બાળકોના ભણતર માટે રિયાસતની સૈનિક સ્કુલમાં તેમના શિક્ષણની વ્યવસ્થા પણ કરી આપી હતી.
બાળકો પોલિશ સંસ્કૃતિ ના ભૂલે તેનું પણ ધ્યાન રખાયું
ભારતમાં આવેલા પોલેન્ડના બાળકોનો ઉછેર ખૂબ જ સારી રીતે થયો હતો. તેના અભ્યાસ પર પણ ઘણું ધ્યાન આપવામાં આવ્યું હતું. તેમજ આ બાળકો પોલેન્ડની સંસ્કૃતિને ન ભૂલે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તે શરણાર્થીઓ રાજા દિગ્વિજય સિંહજીને તેમના બીજા પિતા માને છે અને પોલેન્ડમાં ધ ગુડ મહારાજા તરીકે પણ ઓળખવામાં આવે છે.
પોલેન્ડના રસ્તાઓ જામ સાહેબના નામે
પોલેન્ડની રાજધાની વોર્સોમાં ઘણાં રસ્તા મહારાજા જામ સાહેબના નામ પર છે, પોલેન્ડમાં તેમના નામે ઘણી યોજનાઓ ચાલે છે. દર વર્ષે પોલિશ અખબારોમાં મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહ વિશેના લેખો પ્રકાશિત થાય છે.