ગુજરાતમાં ભાજપના પ્રમુખ કોણ બનશે? ભૂપેન્દ્ર યાદવ કરશે નક્કી! પાટીલ સાથે કરી બેઠક
BJP Gujarat News: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ નિમવા માટે હાઇકમાન્ડ સક્રિય થયુ છે. કોને ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવાશે તેવા રાજકીય તર્ક વિતર્ક વચ્ચે દિલ્હીમાં બેઠકોનો દોર ચાલ્યો છે. પ્રદેશ પ્રમુખ નિયુક્તિ માટે નીરિક્ષક તરીકે ભૂપેન્દ્ર યાદવને જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાતના રાજકારણમાં ગરમાવો
પાલિકા-પંચાયતની ચૂંટણીઓ પછી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરાશે તેવી અફવાઓ ચાલી રહી છે. જોકે, રાષ્ટ્રીય અઘ્યક્ષ મુદ્દે સર્વસંમતિ ન થતાં પ્રદેશ પ્રમુખનો મામલો અટવાયો છે. જોકે, મંગળવારે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અને ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ મુદ્દે ચર્ચા થઇ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.
આ બેઠકને પગલે ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. ભૂપેન્દ્ર યાદવને ગુજરાત ભાજપ પ્રમુખની નિયુક્તિ મામલે નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ટૂંક જ સમયમાં ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગર આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. ઓબીસી નેતાને ગુજરાત ભાજપનું સુકાન સોંપવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે પણ ભાજપ નવુ પત્તું ખોલી શકે છે. યુવા ચહેરાને ગુજરાત ભાજપનું સુકાન સોંપાય તેવી દિલ્હીમાં ચર્ચા છે.