ભારતમાં ગેરકાયદે રહી 500 બેન્ક ખાતા મારફતે લાખોની ઠગાઇ કરનાર નાઇઝિરિયન ગેંગના આકા કાેણ,ઠગો મોં ખોલતા નથી
વડોદરાઃ ભારતમાં ગેરકાયદે રહી લાખો રૃપિયાની ઠગાઇ કરતી નાઇઝિરિયન ગેંગના આકાઓ વિશે પોલીસને કોઇ માહિતી મળતી નથી.ઠગો પણ તેમની ઉપરની ચેનલ વિશે મગનું નામ મરી પાડતા નથી.
વડોડદરાની યુવતીને ખોટી ઓળખ આપી ફ્રેન્ડશિપ કર્યા બાદ જુદાજુદા બહાના હેઠળ રૃ.૨.૬૨ લાખ ટ્રાન્સફર કરાવી લેનાર નાઇઝિરિયન ગેંગના ત્રણ ઠગોને વડોદરા સાયબર સેલે ઝડપી પાડયા બાદ ઠગાઇની નવી પધ્ધતિની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
યુવતીઓને ખોટી ઓળખ આપી અને સોશ્યલ મીડિયા પર ફેક એકાઉન્ટ ખોલી રૃપિયા પડાવી લેનાર ઠગો ભારતમાં વિઝા પુરા થઇ ગયા હોવા છતાં ગેરકાયદે વસવાટ કરી લાખો રૃપિયાની ઠગાઇ કરતા હતા.તેમણે ૫૦૦ જેટલા બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો અને આ એકાઉન્ટો સામે દેશભરમાં ૯૦૦ જેટલી ફરિયાદો થઇ હોવાની તેમજ રૃ.૧૫ કરોડના વ્યવહારો થયા હોવાની વિગતો ખૂલી હતી.
જેથી સાયબર સેલે તેમના નેટવર્કને ભેદવા માટે રિમાન્ડ પર લઇ પૂછપરછ કરતાં તેઓ બેન્કોમાંથી રોકડ ઉપાડવાનો જ આગ્રહ રાખતા હોવાની વિગતો ખૂલી છે.આ ઉપરાંત તેઓ રોકડનું શું કરતા હતા તેની પણ માહિતી આપવામાં ગલ્લાતલ્લા કર્યા હતા.પોલીસને આશંકા છે કે મોટાભાગની રકમ તેમણે ઉપરના સિન્ડિકેટ સભ્યોને મોકલી હોય તેમ લાગે છે. જ્યારે,નાઇઝિરિયામાં પણ રોકડ રકમનો હવાલો પાડતા હોવાનું મનાઇ રહ્યું છે.જેથી પોલીસ તેમના સંપર્કો તેમજ કોલ્સ ડીટેલની તપાસ કરશે.