11 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરનાર ઢગાને 10 વર્ષ કેદની સજા
- સાડા આઠ વર્ષ પૂર્વે શાસ્ત્રીનગરનો આધેડ શખ્સ રંગેહાથ ઝડપાયો હતો
- 12 મૌખિક અને 70 દસ્તાવેજી પુરાવાને ગ્રાહ્ય રાખી અદાલતે સજા અને અર્ધા લાખનો દંડ ફટકાર્યો
શહેરના શાસ્ત્રીનગર, એલઆઈજી, ૧૭૩માં રહેતો બકુલ ખોડીદાસ અંધારિયા (જે-તે સમયે ઉ.વ.૫૨) નામનો શખ્સ તેના ઘરે કોઈ હાજર ન હોય, ત્યારે ૧૧ વર્ષના એક માસૂમ બાળકને અવાર-નવાર કામકાજના બહાને, ચોકલેટ અને ભાગ આપવાની લાલચે ઘરે બોલાવી તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતો હતો. દરમિયાનમાં બાળકની માતાને શંકા જતાં તેમણે શખ્સના ઘરે જઈ ઉપરના માળે રૂમમાં જોતા માનસિક વિકૃતિ ધરાવતો બકુલ અંધારિયા બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતા રંગેહાથ ઝડપાયો હતો. બાદમાં બાળકને પૃચ્છા કરતા તા.૧૭-૫-૨૦૧૬થી છેલ્લા એકાદ માસના અરસામાં આધેડ ઢગાએ બાળક સાથે ત્રણેક વાર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાનો ઘટસ્ફોટ થયો હતો.
આ ચકચારી બનાવ અંગે જે-તે સમયે ભોગ બનનાર માસૂમ બાળકના પિતાએ નિમલબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૭૭, પોક્સો એક્ટની કલમ ૪, ૬ મુજબનો ગુનો દાખલ કરી બકુલ અંધારિયાની ધરપકડ કરી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ ત્રીજા એડીશનલ સેશન્સ જજ અને સ્પે. પોક્સો જજ એમ.બી. રાઠોડની કોર્ટમાં ચાલી જતાં સરકાર પક્ષે મદદનીશ વકીલ ગીતાબા પી. જાડેજાની ધારદાર દલીલો, ૧૨ મૌખિક, ૭૦ દસ્તાવેજી પુરાવા વગેરેને ધ્યાને લઈ ન્યાયાધિશ એમ.બી. રાઠોડે આરોપી બકુલ અંધારિયા સામે ગુનો સાબીત માની ૧૦ વર્ષ સખત કેદની સજા અને રૂા.૫૦,૦૦૦ના દંડનો હુકમ કર્યો હતો.