દરિયામાં માછલીનો જથ્થો ક્યાં છે? તે સેટેલાઈટ ઈમેજથી જાણી શકાશે
X-Ray ફિલ્મની ઈમેજ હાડકાના કેન્સરની સંભાવના દર્શાવશે : દરિયામાં આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગતા પહેલાં જ મોબાઈલ ફોન એલર્ટ કરી દેશે : સૌરાષ્ટ્ર યુનિ.નાં વિદ્યાર્થીનું સંશોધન
રાજકોટ, : કોમ્પ્યુટર સાયન્સમાં સંશોધન થકી સમાજનાં છેવાડના વર્ગનાં લોકોને મદદરૂપ થઈ શકાય છે. સૌરાષ્ટ્ર યુનિ.નાં કોમ્પ્યુટર સાયન્સ વિભાગનાં વિદ્યાર્થીનાં સેટેલાઈટ ઈમેજ પ્રોસેસીંગનાં સંશોધનથી સૌરાષ્ટ્રનાં વિશાળ સાગરકાંઠા પર વર્ષોથી મત્સ્યોદ્યોગ દ્વારા રોજગારી મેળવતા સંખ્યાબંધ માછીમારોને ફાયદો થશે.
સેટેલાઈટ ઈમેજ પ્રોસેસીંગની મદદથી સૌરાષ્ટ્ર યુનિ.નાં પીએચડીનાં સંશોધક ઝલકબાઈ ઠકરારે જે થીસીઝ તૈયાર કર્યો છે. તેના કારણે સેટેલાઈટ ઈમેજની મદદથી માછીમારો દરિયામાં કયાં સ્થળે માછલીઓનો વધુ જથ્થો ઉપલબ્ધ છે? તે મોબાઈલ મારફતે જાણી શકશે. તેમજ દરિયાની આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગવાનો જે ભય છે. કાયમ ી ધોરણે માછીમારોને સતાવતો હોય છે. તેની સામે રક્ષણ મળી શકશે. આ વિગતોનાં સંદર્ભમાં કોમ્પ્યુટર સાયન્સ ભવનના અધ્યાપક પ્રો. અતુલ ગોસાઈએ જણાવ્યું હતું કે, દરીયામાં માછીમારી દરમિયાન અવાર નવાર જાણ્યે અજાણ્યે માછીમારો પાકિસ્તાનની સીમા ઓળંગી જતા હોવાથી માછીમારોને પાકિસ્તાનમાં બંદી બનાવવામાં આવે છે. જે પ્રશ્ન લાંબા સમયથી માછીમારો માટે ચિંતાજનક બની રહ્યો છે. તેથી અહીનાં પીએચડી સંશોધક ઝલકબાઈ ઠકરારે સેટેલાીટ ઈમેજ પ્રોસેસીંગની મદદથી એવી બાઉન્ડ્રી એલર્ટ ડીવાઈસ શોધી છે જેની મદદથી દરિયાઈ સીમા ઓળંગતા પૂર્વે જ માછીમારોને મોબાઈલ ફોન એલર્ટ કરી દે છે. એલર્ટ સિગ્નલ મોબાઈલ ફોન આપે છે. જેથી તેઓ આગળ વધતા અટકી જાય છે. જેની પેટન્ટ પણ રજીસ્ટર્ડ કરાવવામાં આવી છે. એ જ રીતે પી.એચ.ડી.નાં અન્ય સંશોધક અનિલભાલોડિયાએ એકસ-રે ઈમેજ પ્રોસેસિંગ ઉપર કામ પુરૂ કર્યું છે. જેની મદદથી એકસ-રે ફિલ્મની મદદથી દર્દીનાં હાડકામાં કેન્સરની સંભાવના કેટલી છે? તે જાણી શકાય છે. આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સની મદદથી કોમ્પ્યુટર સાયન્સનાં સંશોધક અનિલ ભારોડીયાએ જે પાંચ હજારથી વધુ કેસનો અભ્યાસ કર્યો છે તેમાં 90 ટકા જેટલું સચોટ નિદાન થઈ શક્યું છે. જે સંશોધનની પેટન્ટ પબ્લીશ થઈ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.