મહારાષ્ટ્રમાંથી કોન્ટ્રાક્ટબેઝથી ભરતી બંધ, ગુજરાતમાં ક્યારે નિર્ણય લેવાશે ?

રાજ્યમાં કાયમી ભરતી માટે પણ ચાલે છે આંદાલન

બન્ને રાજ્યમાં ભાજપ સરકાર છત્તા બેવડા ધોરણો,સોશિયલ મીડીયામાં ભારે આક્રોશ

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાંથી કોન્ટ્રાક્ટબેઝથી ભરતી બંધ, ગુજરાતમાં ક્યારે નિર્ણય લેવાશે ? 1 - image

ગાંધીનગર, બુધવાર
મહારાષ્ટ્ર સરકારે(Maharashtra Government) કોન્ટ્રાક્ટબેઝ (Contract base recruitment) પધ્ધતિથી ભરતી પ્રક્રિયા બંધ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. જેને પગલે હવે ગુજરાતમાં કોન્ટ્રાક્ટ પધ્ધતિથી ફરજ બજાવી રહેલા કર્મચારીઓએ માગણી કરી છે કે, ગુજરાતમાં પણ ભાજપની સરકાર જ છે તો પછી મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાંથી પણ કોન્ટ્રાક્ટ પધ્ધતિથી નિમણૂકની પ્રથાને તાત્કાલીક તીલાંજલી આપી દેવી જોઈએ. આ પધ્ધતિને કારણે વચેટીયાઓને એટલે કે એમપેનલ્ડ એજન્સીઓને ઘીકેળા થઈ રહ્યાં છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશે મુંબઈમાં જાહેર કર્યુ હતુ કે, કોન્ટ્રાક્ટ બેઝથી ભરતી કરવાનુ પાપ કોંગ્રેસ-એનસીપી સરકારનુ છે.અમે આ સંદર્ભમાં જારી કરાયેલા સરકારી જીઆરને રદ કરીશુ. ફડણવીશે કહ્યુ કે, મે વિધાનસભામાં આ અંગે કહ્યુ હતુ. તેમજ મુખ્યમંત્રીનુ ધ્યાન દોર્યુ હતુ. જ્યારે કોંગ્રેસ-એનસીપીના નેતાઓ કહે છે કે,ફડણવીશ જૂઠ્ઠૂ બોલી રહ્યા છે. તેઓ પોતે જ 2014થી 2019 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. તેમને કોન્ટ્રાક્ટ પધ્ધતિ રદ કરવા માટે કોણ રોકતુ હતુ. ભાજપનો આરોપ છે કે આ પાપ ઉધ્ધવ ઠાકરે અને કોંગ્રેસનુ છે.આ મુદ્દે હવે ભાજપ કોંગ્રેસ અને શિવસેના તેમજ એનસીપીના નેતાઓ દ્રારા એકબીજા પર આક્ષેપબાજી કરીને દોષનો ટોપલો ઢોળી રહ્યાં છે.

દરમિયાનમાં ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ફિકસ પગારવાળા-કોન્ટ્રાક્ટબેઝથી નોકરીએ રહેલા કર્મચારીઓ પોતાને કાયમી કરવા અને ફુલ પગારે નોકરીએ રાખવાની માગણી કરી રહ્યાં છે. જેમાં તેઓએ કોર્ટનો આશરો પણ લીધો છે. કોંગ્રેસના નેતાઓ ઉપરાંત અન્ય અપક્ષ ધારાસભ્ય પણ ગુજરાતમાં ચાલી રહેલી કોન્ટ્રાક્ટબેઝ પધ્ધતિથી થતી ભરતી પ્રક્રિયાનો વિરોધ કરતા આવ્યા છે.

મહારાષ્ટ્રમાં તેનો અંત લવાતા હવે ગુજરાતમાં પણ આ પધ્ધતિને નાબૂદ કરવાની માગણી શરૂ થઈ છે. જે આગામી સમયમાં બુલંદ બનશે. સોશિયલ મીડિયા પર લોકો એકબીજાને મેસેજો મોકલાવી રહ્યાં છે. જેમાં તેઓ લખે છે કે, મહારાષ્ટ્ર અને ગુજરાત એ બન્ને રાજ્યોમાં ભાજપની સરકાર છે. ગુજરાતમાં તો ત્રણ દાયકાથી ભાજપ સત્તામાં છે. જો મહારાષ્ટ્રમાં આવો નિર્ણય થઈ શકતો હોય તો ગુજરાતમાં કેમ નહી ? તેઓ લખે છે કે, સરકારના વિવિધ ડીપાર્ટમેન્ટમાં નિમણૂક માટે એમપેનલ્ડ અથવા તો ટેન્ડરથી એજન્સીને કામ અપાય છે. જેમાં જે તે એજન્સી સરકારના વિભાગોમાં કર્મચારીઓ મુકે છે તેના બદલામાં સરકાર દ્રારા નક્કી કરાયેલી રકમ અપાય છે. એજન્સીઓ આ રકમમાંથી 30થી 40 રાખીને બાકીની રકમ જ જે તે કર્મચારીને પગારપેટે ચૂકવે છે. જો સરકાર દ્રારા જ સીધી અને કાયમી ભરતી થાય તો આ વચેટીયાઓ પણ આપોઆપ નિકળી જશે. ગુજરાતમાં આ પ્રકારનો નિર્ણય લેવાશે કે કેમ તે અંગે સરકારના મંત્રીઓ કે સનદી અધિકારીઓ કશુ બોલવા તૈયાર નથી.

મહારાષ્ટ્રમાંથી કોન્ટ્રાક્ટબેઝથી ભરતી બંધ, ગુજરાતમાં ક્યારે નિર્ણય લેવાશે ? 2 - image



Google NewsGoogle News