ઉકાઇ ડેમની સપાટી રૃલ લેવલને ટચ થતા ફરી ચાર દરવાજા ચાર ફુટ ખોલાયા

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
ઉકાઇ ડેમની સપાટી રૃલ લેવલને ટચ થતા ફરી ચાર દરવાજા ચાર ફુટ ખોલાયા 1 - image


- શુક્રવારે દરવાજા બંધ કરાયા હતા પણ સપાટી 335 ફુટ નજીક પહોંચતા ૪૬ હજાર ક્યુસેક પાણી છોડી સપાટી નીચે લઇ જવાનું શરૃ

                સુરત

ઉકાઇ ડેમના ઉપરવાસમાં ફરીથી વરસાદ શરૃ થવાની સાથે દરવાજા બંધ કરી દેતા સપાટી રૃલલેવલ ૩૩૫ ફુટની ટચોટચ પહોંચી જતા સતાધીશોએ બંધ કરેલા ચાર દરવાજા ચાર ફુટ સુધીના ફરીથી ખુલ્લા કરીને  આજે સવારે ૧૦ વાગ્યાથી દરવાજા, હાઇડ્રો અને કેનાલ મળીને ૪૬ હજાર કયુસેક પાણી છોડીને સપાટી નીચી લઇ જવાની મથામણ શરૃ કરી છે.  હથનુર- પ્રકાશામાંથી સામાન્ય જ પાણીની આવક આવી રહી હોવાથી સતાધીશોને રાહત છે.

ઉકાઇ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં શુક્રવારે સવારે આઠ વાગ્યાથી આજે શનિવારે સવારે આઠ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં બુરહાનપુરમાં ૧.૫ ઇંચ, ઉકાઇ, ખેટીયા, દુસખેડા, ધુલીયામાં ૧ ઇંચ, નરણે, હથનુર, દેડતલાઇમાં પોણો ઇંચ સહિત ૫૨ રેઇનગેજ સ્ટેશનમાં કુલ ૩૪૯ મિ.મિ અને સરેરાશ ૬ મિ.મિ વરસાદ નોંધાયો હતો. જો કે સતાધીશોએ પાણીની આવક ઘટતા શુક્રવારે જ ઉકાઇ ડેમના દરવાજા બંધ કરી દઇને હાઇડ્રો, કેનાલમાં ૧૭ હજાર કયુસેક પાણી છોડવાનુ ચાલુ રાખ્યુ હતુ. દરમ્યાન ઉપરવાસમાં વરસાદ , આવનારી પાણીની આવક અને ઉકાઇ ડેમના રૃલલેવલ ૩૩૫ ફુટથી સપાટી એકદમ નજીક ૩૩૪.૮૦ ફુટ નોંધાઇ હોવાથી સતાધીશોએ ફરીથી નિર્ણય બદલીને  આજે સવારે ૧૦ વાગ્યાથી ઉકાઇ ડેમના ફરીથી ચાર દરવાજા ચાર ફુટ સુધીના ખુલ્લા કર્યા હતા. જયારે હાઇડ્રો અને કેનાલમાં તો પાણી છોડાતુ જ હતુ. આથી સવારે ૧૦ થી સતત ૪૬ હજાર કયુસેક પાણી છોડવાની શરૃઆત કરી હતી.

દરમ્યાન ઉકાઇ ડેમના ઉપરવાસના હથનુરમાંથી ૨૩ હજાર કયુસેક અને પ્રકાશા વિયરમાંથી ૨૪ હજાર કયુસેક પાણી છોડાતુ હતુ. જયારે ઉકાઇ ડેમમાં આજે દિવસ દરમ્યાન ૩૧ હજાર કયુસેક થી ૬૦ હજાર કયુસેક ઇનફલો આવ્યો હતો. મોડી સાંજે છ વાગ્યે ઉકાઇ ડેમની સપાટી આજના રૃલલેવલ ૩૩૫ ફુટની સામે ૩૩૪.૮૯ ફુટ , જયારે પાણીની આવક અને જાવક બન્ને ૪૬ હજાર કયુસેક નોંઘાઇ હતી. ઉકાઇ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફુટ છે. 


Google NewsGoogle News