131 વર્ષની ઉમરે માતાનું અવસાન થતા પુત્રએ અંતિમયાત્રામાં ડીજે બોલાવ્યું
મૃતક તવરીબેન અંગ્રેજોની ગુલામી, છપ્પનિયો દુષ્કાળ, આઝાદી ચળવળ, ભૂકંપ અને કોરોના સહિતની ઘટનાઓના સાક્ષી હતા
વિરપુર : જન્મ અને મૃત્યુ ઇશ્વરના હાથમાં છે પણ કર્મ મનુષ્યના હાથમાં છે અને સારા કર્મ તથા સંસ્કાર થકી વ્યક્તિ મૃત્યુ પછી પણ અમર બની જાય છે.આપણે ઘણી વખત સાંભળીએ કે કોઇ વ્યક્તિ ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યુ, કોઇ વ્યક્તિએ ૧૧૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યુ પણ મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના આલમપુર ગામે એક મહિલા ૧૩૧ વર્ષનું આયુષ્ય ભોગવીને સંસારમાંથી વિદાય લીધી છે. હશીખુશીથી પાંચ પેઢીનું સુખ જોઇને વિદાય લેતા માતાની અંતિમયાત્રામાં તેના પુત્રોએ ડીજે બોલાવ્યુ હતું.
આલમપુરા ગામના તવરીબહેન દાજીભાઈ ખાંટ પાંચ પેઢીનું સુખ પામીને ૧૩૧ વર્ષની વયે મૃત્યુ પામતાં પુત્રોએ ડીજેના તાલે અંતિમયાત્રા કાઢી હતી, જેમાં સગા સંબંધીઓ તો ઠીક આખુ ગામ જોડાયુ હતું. હાલના યુગમાં તો ૬૦ વર્ષ થાય એટલે જાણે જિંદગી પૂરી થઈ ગઈ હોય એવી હાલતમાં માણસો નજરે પડે છે. તવરીબહેન ૧૩૧ વર્ષના આયુષ્યમાં અંગ્રેજોની ગુલામી, છપ્પનિયો દુષ્કાળ, આઝાદી ચળવળ, ભૂકંપ અને કોરોના સહિતની ઘટનાઓના સાક્ષી રહ્યા હતા તો પરિવારની પાંચ પેઢીનું સુખ પણ પામ્યા હતા. તવરીબહેનને ત્રણ દીકરા છે અને તેમના દિકરાઓની ત્યા પણ ત્રીજી પેઢી છે.
ઉંમર અને સામાન્ય બીમારીના કારણે તવરીબેને આજે સવારે દેહ છોડયો હતો, જેથી તેમના ત્રણેય પુત્રોએ નક્કી કર્યું કે માતાએ તેમના જીવનને સુખી બનાવવા ઘણા સંઘર્ષ કર્યો હતો અને ૧૩૧ વર્ષે પણ તંદુરસ્ત અને સારું જીવન જીવ્યા છે માટે તેમની અંતિમયાત્રામા દુઃખ નહી ઉત્સવ હોવો જોઇએ એટલે અંતિમયાત્રા ડીજે સાથે યોજવામાં આવી.આજના સમયમાં અમુક લોકો પોતાનાં માતા-પિતા વૃધ્ધ થતા જવાબદારી સમજીને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા હોય છે ત્યારે તવરીબેનનો કિસ્સો સમાજ માટે પ્રેરણાદાયક છે.