વિશ્વામિત્રીની સપાટી કેટલી, સોશિયલ મીડિયા પર કોમેન્ટોનું ઘોડાપૂર

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
વિશ્વામિત્રીની સપાટી કેટલી, સોશિયલ મીડિયા પર કોમેન્ટોનું ઘોડાપૂર 1 - image


એક તરફ વિશ્વામિત્રીના પાણી વડોદરા શહેરમાંથી ઓછા થવાની જગ્યાએ વધી રહ્યા છે ત્યારે વડોદરા કોર્પોરેશને મંગળવારે બપોર પછી વિશ્વામિત્રી નદીની સપાટી દર્શાવવાનું બંધ કરી દીધું છે.

વડોદરાના લોકોમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.કોર્પોરેશનની સાઈટ પર વિશ્વામિત્રીની સપાટી ગઈકાલે બપોરે 35.25 ફૂટ દર્શાવવામાં આવી હતી. એ પછી સપાટીમાં કેટલો વધારો થયો છે તેના આંકડા જાહેર કરવામાં આવી રહ્યા નથી. બીજી તરફ રેસ્ક્યૂ કામગીરી સાથે સંકળાયેલા લોકો અને નેતાઓનું કહેવું છે કે, વડોદરામાં અત્યારે વિશ્વામિત્રીની સપાટી 37 ફૂટ તો હશે જ.

સોશિયલ મીડિયા પર પણ આ બાબતને લઈને લોકો સવાલ કરી રહ્યા છે કે, સપાટી નહીં દર્શાવીને કોર્પોરેશન શું છુપાવી રહ્યું છે? કારણકે જે રીતે વડોદરામાં પાણીનુ સ્તર વધી રહ્યું છે અને નવા વિસ્તારો પૂરના સપાટામાં આવી રહ્યા છે તે જોતા વિશ્વામિત્રીની સપાટી 35 ફૂટ પર તો સ્થિર ના જ હોય. લોકોને કોર્પોરેશનના અધિકારીઓએ સાચી જાણકારી પૂરી પાડવી જોઈએ. કારણકે ખુદ ધારાસભ્યો કહીં રહ્યાં છે કે, વિશ્વામિત્રીની સપાટી અત્યારે 37 ફૂટ તો હશે જ.

લોકો એવું પણ કહીં રહ્યાં છે કે, સપાટી દર્શાવવાનું બંધ કરીને કોર્પોરેશનના શાસકો સ્થિતિની ગંભીરતાને ઓછી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

બીજી તરફ કોર્પોરેશનના એક અધિકારીએ ગઈકાલે જ કહ્યું હતું કે, વડોદરામાં વિશ્વામિત્રી નદી પરના મોટાભાગના બ્રિજ પરથી પાણી વહી રહ્યું હોવાથી સપાટીનો મુદ્દો ગૌણ બની ગયો છે.


Google NewsGoogle News