અમેરિકા દ્વારા ડિપોર્ટ કરાયેલા ભારતીયોને હથકડી પહેરાવી સમગ્ર ભારત દેશનું અપમાન: કોંગ્રેસ નેતા અમિત ચાવડા
Gandhinagar News : ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ આજે 19 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં વિધાનસભાની બહાર દેખાવ કર્યો હતો. ધારાસભ્યોએ હથકડી અને સાંકળ લગાવીને અમેરિકાથી ગેરકાયદે ભારતીય અપ્રવાસીઓને પરત મોકલવાની પ્રક્રિયા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર ભેગા થઈ 'ભારતીયો કા યે અપમાન, નહીં સહેગા હિન્દુસ્તાન'ના નારા લગાવ્યા હતા. આ દરમિયાન અમિત ચાવડાએ કહ્યું કે, 'વડાપ્રધાને ભારતીયોના અપમાન બાબતે એક શબ્દ પણ નથી ઉચ્ચાર્યો. ટ્રમ્પ સરકાર દ્વારા જે રીતે હથકડીઓ પહેરાવી અપમાન કરાયું છે એનો જવાબ હિન્દુસ્તાનની જનતા, ગુજરાતની જનતા રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે માગી રહી છે.'
હથકડી પહેરી કર્યો વિરોધ
વિધાનસભામાં અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી અને શૈલેષ પરમાર સહિતના કોંગ્રેસ ધારાસભ્યોએ કાળા રંગના પોસ્ટર પહેરી તેમાં વિવિધ નારા લખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સિવાય તેઓએ પોતાના હાથે હથકડી બાંધી હતી અને ડિપોર્ટેશન વખતે ભારતીયોને બાંધવામાં આવેલી હથકડીનો વિરોધ કર્યો હતો. વિધાનસભા ખાતે આયોજિત વિરોધ પ્રદર્શનમાં વિરોધપક્ષના નેતા અમીત ચાવડાએ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન વિશ્વગુરુ બનવાના જે બણગા ફૂંકે છે એની સામે ગુજરાત અને દેશનો યુવાન જેને રોજગારી નથી મળતી, દેશમાં એમનું ભવિષ્ય સુરક્ષિત નથી દેખાતું, એના સ્વપ્ન જે આ દેશમાં પૂરા નહીં થાય એવા ડર સાથે 75 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની રકમ આપીને ગેરકાયદેસર રીતે વિદેશની ધરતી પર જાય છે.'
'વડાપ્રધાને ભારતીયોના અપમાન બાબતે એક શબ્દ પણ નથી ઉચ્ચાર્યો'
અમીત ચાવડાએ કહ્યું હતું કે, 'દેશના અને એમાં પણ વધુ ગુજરાતના યુવાઓ જે રીતે પોતાના સ્વપ્નો માટે અમેરિકા ગયા અને અમેરિકાની સરકારે ગેરકાયદેસર રીતે આવ્યા છે, રોકાયા છે એવી રીતે એમની ધરપકડ કરી હતી અને જાણે આતંકવાદી હોય તેવું તેમની સાથે વર્તન કરવામાં આવ્યું હતી. એથી પણ ખરાબ અને સૌના માટે શરમજનક બાબત છે કે, આતંકવાદીઓની જેમ એમના હાથમાં અને પગમાં હથકડી અને બેડીઓ પહેરાવી હતી અને આર્મીના પ્લેનમાં જ્યાં ભોજનની વ્યવસ્થા ન હોય, સેનિટેશન માટેની વ્યવસ્થા ન હોય એવી રીતે એમને ભારતની ધરતી પર મોકલવામાં આવ્યા. બીજી બાજુ કોલંબિયાના પ્રમુખે પોતાના દેશના લોકો જે ભલે ગેરકાયદેસર રીતે ગયા હતા પણ સ્વમાન સાથે પાછા લાવવાની વ્યવસ્થા કરી. પણ જે નરેન્દ્રભાઈ મોદી પોતાને ટ્રમ્પના સારા મિત્ર ગણાવે છે, હાઉડી મોદી અને નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમો કરી પ્રજાના ટેક્ષના પૈસા બરબાદ કર્યા હતા. એ વડાપ્રધાન જયારે અમેરિકા ગયા, ટ્રમ્પને ફરી ગળે મળ્યા પણ ભારતીયોના અપમાન બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી.'
આ પણ વાંચો: ગુજરાતના ચાર મોટા શહેરોમાં લાગુ થયો ‘SHASTRA’ પ્રોજેક્ટ, ગુનાઓ રોકવા માટે પોલીસ એક્શનમાં
'અપમાનનો જવાબ જનતા માગી રહી છે'
યુવાનો રોજગારી માટે વિદેશ ગમન કરે તેને લઈને અમીત ચાવડાએ કહ્યું હતું કે, 'જ્યારે દેશના યુવાનોના સ્વપ્ન અહીં પૂરા ન થતા અને રોજગાર ન મળવાથી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા આપીને અમેરિકા પહોંચ્યા, પરંતુ તેમની સાથે જે વર્તન થયું, જે રીતે એમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે એ ગેરકાયદેસર રીતે ગયેલા લોકોનું અપમાન નથી પણ સમગ્ર ભારત દેશનું અપમાન છે. આ ગુજરાતની ધરતી પરથી પણ અનેક લોકો વિદેશમાં છે, એમના પણ ભવિષ્ય માટે ખૂબ ચિંતા એમના પરિવારો કરી રહ્યા છે. તેમ છતાં ગુજરાતના મુખ્યમંત્રી પણ એક શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી. દેશના વડાપ્રધાન પોતે ગુજરાતી છે એ પણ અમેરિકા જવા છતાં એક શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી એ એમની નબળાઈ બતાવે છે. આખો ભારત દેશ એમની આ નબળાઈને કારણે આજે શરમજનક સ્થિતિમાં છે. ટ્રમ્પ સરકાર દ્વારા જે રીતે હથકડીઓ પહેરાવી અપમાન કર્યું છે એનો જવાબ હિન્દુસ્તાનની જનતા, ગુજરાતની જનતા રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે માગી રહી છે.'