પશ્ચિમ રેલવેએ 10 મહિનામાં ટિકિટ ચેકિંગ ડ્રાઇવમાં દંડ પેટે રૃા.141 કરોડની વસુલાત કરી
સુરત
પશ્ચિમ રેલવેની ટિકિટ ચેકિંગ ટીમે એપ્રિલથી જાન્યુઆરી દરમિયાન મુંબઈ ઉપનગરીય લોકલ ટ્રેનો, મેલ-એક્સપ્રેસ, પેસેન્જર ટ્રેનો અને હોલિ-ડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી રુ. 141.50 કરોડની વસૂલાત કરી હતી. મુંબઈ ઉપનગરીય વિભાગમાંથી રુ. 37.55 કરોડની વસૂલાત થઈ હતી.
ગત જાન્યુઆરી દરમિયાન 2.28 લાખ ટિકિટ વિનાના, અનિયમિત મુસાફરો પાસેથી રુ.23.07 કરોડની રકમ વસૂલ કરવામાં આવી હતી, જેમાં અન-બુક સામાનના કેસોનો સમાવેશ થાય છે. મુંબઈ ઉપનગરીય વિભાગ પર લગભગ 94 હજાર કેસ શોધીને રુ.4 કરોડનો દંડ વસૂલ્યો હતો, એમ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું.
એસી લોકલ ટ્રેનોમાં અનધિકૃત મુસાફરીને રોકવા માટે નિયમિત ઓચિંતી ટિકિટ ચેકિંગ ઝુંબેશને કારણે એપ્રિલથી જાન્યુઆરી દરમિયાન 51 હજારથી વધુ અનધિકૃત મુસાફરો પાસેથી રુ.170.74 લાખ દંડ વસૂલવામાં આવ્યો છે, જે અગાઉના વર્ષના સમાન સમયગાળા કરતાં લગભગ 38 ટકા વધુ છે.