સાયબર ક્રાઇમના ગુનામાં પશ્ચિમ કચ્છ LCB પોલીસની મોટી કાર્યવાહી, બે આરોપીની ધરપકડ
Bhuj News : ગુજરાતમાં સાયબર ક્રાઇમના ગુનામાં પશ્ચિમ કચ્છ LCB પોલીસ મોટી કાર્યવાહી કરી છે. જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ રજૂ કરીને અલગ-અલગ 17 બેંકોમાં 55 જેટલાં એકાઉન્ટ ખોલાવીને ફ્રોડ આચરતાં રાજસ્થાનના બે યુવકોની ધરપકડ કરી લેવાઈ છે. 10 રાજ્યમાંથી 11થી વધુ ફરિયાદોમાં કરોડોના ફ્રોડની સાયબર ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આરોપી દ્વારા ખોલાયેલા બેંક ખાતાનું કનેક્શન સામે આવ્યું હતું. આરોપીઓ ઓનલાઈન જોબ, સાયબર અરેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ સહિતના કૌભાંડ આચરીને ગુનાહિત પ્રવૃતિને અંજામ આપતા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી.
10 રાજ્યોમાંથી સાયબર ક્રાઈમની 11થી વધુ ફરિયાદોનું કનેક્શન
પોલીસની માહિતી મુજબ, કચ્છમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમી મળી હતી કે, ભુજના ભાનુશાલીનગરના હરિરત્ન એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં ભાડેથી રહેતાં જોધપુરના શિશપાલ ઊર્ફે સુભાષ બાબુરામ ધનારામ બિશ્નોઈ (ઉં.વ.35) અને ગોવિંદરામ ઊર્ફે ગોવર્ધનરામ મુન્નારામ કુલારામ બિશ્નોઈ (ઉં.વ.31) નામના બે શખ્સો ખોટા આધાર પૂરાવા, મોબાઈલ નંબર સહિતના ડોક્યુમેન્ટથી બેંકમાં ખાતા ખોલાવીને ફ્રોડ આચરતાં હતા. ત્યારબાદ પોલીસે દરોડા પાડીને બંને આરોપીને ઝડપી પાડીને પૂછપરછ કરતાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, 10 રાજ્યોમાંથી સાયબર ક્રાઈમની 11થી વધુ ફરિયાદોમાં આરોપીએ ખોલાયેલા ચાર જેટલાં બેંક ખાતાનું કનેક્શન મળી આવ્યું હતું. જ્યારે આરોપીને વિવિધ બેંકોમાં ખાતા ખોલાવી આપનારા બેંક અધિકારીઓ પર શંકા હોવાથી વધુ પૂછપરછ કરાશે.
કચ્છ પશ્ચિમ એસપીએ શું કહ્યું?
કચ્છ પશ્ચિમ એસપી વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે, 'ભુજ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, ભુજમાં રહેતા બે શખ્સો પાસે મોટી સંખ્યામાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ઉદ્યમ કાર્ડ, વિવિધ બેંકની ચેક બુક, પાસબુક સહિતના ડોક્યુમેન્ટ છે. આ પછી અમારી ટીમ દ્વારા સ્થળ પર દરોડા પાડીને બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.'
અલગ-અલગ બેંકોમાં 55 જેટલાં ખાતા ખોલાવી આચર્યું ફ્રોડ
- ભુજ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડ (BMCB) બેંકમાં 10 એકાઉન્ટ
- બેન્ક ઑફ બરોડામાં 7 એકાઉન્ટ
- રાજકોટ નાગરિક સહકારી બેંક અને સેન્ટ્રલ બેન્ક ઑફ ઈન્ડિયામાં 5-5 એકાઉન્ટ
- HDFC બેંકમાં 4 એકાઉન્ટ
- યુનિયન બેન્ક ઑફ ઈન્ડિયા, બેન્ક ઑફ ઈન્ડિયા અને ઈન્ડસઈન્ડ બેન્કમાં 3-3 એકાઉન્ટ
- બેન્ક ઑફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ડ સિંધ બેંક, IDBI બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક અને ફેડરલ બેન્કમાં 2-2 એકાઉન્ટ
- ઈન્ડિયન બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, AU સ્મૉલ ફાઈનાન્સ બેન્કમાં 1-1 એકાઉન્ટ
આ પણ વાંચો: કચ્છમાં વૉટર લેવલ સરવે હાથ ધરવા ગયેલી બોટ પલટી, GHCLના 3 કર્મી 16 કલાકે જીવતા મળ્યાં
સમગ્ર ઘટના મામલે પોલીસે આરોપી પાસેથી એક લેપટોપ, 1 પેન ડ્રાઈવ, 8 મોબાઈલ ફોન, 16 આધાર કાર્ડ, 13 પાન કાર્ડ, 42 ડેબિટ કાર્ડ, 26 પાસબૂક, 47 ચેકબૂક, 1 ઉદ્યમ પ્રમાણપત્ર, 2 બોગસ વીજ બિલ, 2 મકાનના બોગસ નોટરાઈઝ્ડ ભાડાં કરારની કોપી, 3 દુકાનની પાર્ટનરશીપ અંગેના બોગસ દસ્તાવેજો, વિવિધ બેંક ખાતાની વિગતો લખેલી 2 ડાયરી સહિતના ડોક્યુમેન્ટ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી.