Get The App

ભારત સામે વેસ્ટ ઇન્ડિઝની વીમેન સ્ક્વોડ ઘૂટંણિયે પડી, 211 રને કારમી હાર

નવ નિર્મિત કોટંબી સ્ટેડિયમમાં પ્રથમ વીમેન વન-ડે ઇન્ટરનેશનલમાં મેચ જોવા માટે 8 હજારથી વધુ દર્શકો ઉમટી પડયા

Updated: Dec 22nd, 2024


Google NewsGoogle News
ભારત સામે વેસ્ટ ઇન્ડિઝની વીમેન સ્ક્વોડ ઘૂટંણિયે પડી, 211 રને કારમી હાર 1 - image


વડોદરા ઃ કોટંબીના નવનિર્મિત સ્ટેડિયમ ખાતે આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વીમેન ટીમ વચ્ચે યોજાયેલી ૩ પૈકીની પ્રથમ વન-ડે ઇન્ટરનેશનલમાં ભારતીય ટીમનો૨૧૧ રને વિજય થયો છે. ભારતીય ટીમના બેટરોએ ખડકેલા ૩૧૪ રનનો સ્કોર અને બોલરોના તરખાટ સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમ ટકી શકી નહી અને ૨૬.૨ ઓવરમાં જ ઓલ આઉટ થઇ ગઇ હતી. આંતરરાષ્ટ્રીય કક્ષાનું નવુ સ્ટેડિયમ, પ્રથમ ઇન્ટરનેશનલ વીમેન ક્રિકેટ અને રવિવાર આ ત્રણ ફેક્ટરના કારણે હજારો દર્શકો ઉમટી પડયા હતા અને સ્ટેડિયમ ખીચોખીચ ભરાઇ ગયુ હતું. અંદાજે ૮,૦૦૦થી વધારે દર્શકોએ આજે મેચ માણી હતી.

ભારતીય ટીમે 315 રનનો લક્ષ્યાંક આપ્યો ત્યારે જ મેચ એક તરફી થઇ ગઇ હતી, વેસ્ટ ઇન્ડિઝની ટીમ 26.2 ઓવરમાં જ ઓલ આઉટ થઇ ગઇ

ભારત સામે વેસ્ટ ઇન્ડિઝની વીમેન સ્ક્વોડ ઘૂટંણિયે પડી, 211 રને કારમી હાર 2 - image

બરોડા ક્રિકેટ એસોસિએશનની યજમાનીમાં કોટંબી ખાતે આજથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે વીમેન વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટની ૩ મેચની સિરિઝનો પ્રારંભ થયો છે. આજની પ્રથમ મેચમાં જ ભારતીય ટીમની ઓપનિંગ બેટર સ્મૃતિ મંધાનાએ ૧૦૨ બોલમાં ૧૩ બાઉન્ડ્રી સાથે ૯૧ રન બનાવીને આઉટ થઇ હતી. સ્મૃતિએ શાનદાર ઇનિંગ રમી તેમ છતા વડોદરાના ગ્રાઉન્ડ ઉપર સેન્ચ્યુરીથી ચુકી જતાં દર્શકો નીરાશ થયા હતા. જો કે ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૩૧૪ રનનો સ્કોર ખડકીને વેસ્ટ ઇન્ડિઝની ટીમને જીત માટે ૩૧૫નો લક્ષ્યાંક આપતા જ નક્કી થઇ ગયુ હતું કે આ મેચ એક તરફી થઇ જશે અને બન્યુ પણ એવુ જ.ભારતીય ટીમમાં દિલ્હીની પ્લેયર પ્રતિકા રાવલે આજે કોટંબી સ્ટેડિયમ ખાતેથી વીમેન્સ ઇન્ટરનેશનમાં ડેબ્યુ કર્યુ હતું. તેણે આજે ૬૯ બોલમાં ૪ બાઉન્ડ્રી સાથે ૪૦ રન કર્યા હતા કેપ્ટન હેલી મેથ્યુઝની બોલીંગમાં તે કોટ એન્ડ બોલ્ડ થઇ હતી. જે પછી હરલીન દેઓલ અને કેપ્ટન હરમનપ્રીત કૌરે બાજી સંભાળી હતી. હરલીને ૫૦ બોલમાં ૪૪ રન જ્યારે હરમનપ્રીતે ૨૩ બોલમાં ૩૪ રન ફટકાર્યા હતા.

વેસ્ટ ઇન્ડિઝની ટીમની શરૃઆત જ નબળી રહી હતી. ઓપનર બોલર રેણુકા સિંઘના પ્રથમ બોલમાં જ કેપ્ટન હેલી મેથ્યુસ ફટકો મારીને રન લેવા દોડી હતી બીજી તરફનોન સ્ટ્રાઇકર ક્વિના જોશેફ સ્ટ્રાઇક સુધી પહોંચે તે પહેલા જ ઝીરો રન સાથે રન આઉટ થઇ ગઇ હતી. હજુ વેસ્ટ ઇન્ડિઝની ટીમ સેટ થાય તે પહેલા ત્રીજી ઓવરના પ્રથમ બોલમાં બોલર રેણુકા સિંઘે કેપ્ટન હેલી મેથ્યુસને પણ ઝીરો રન સાથે બોલ્ડ કરી દીધી હતી. તે સાથે મેચનું પરિણામ નક્કી થઇ ગયુ હતું. આજનો દિવસ ભારતીય ટીમની  બોલર રેણુકા સિંઘના નામે હતો. તેના તરખાટ સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઘુંટણીયે પડી ગઇ હતી. રેણુકા સિંઘે ૧૦ ઓવરમાં માત્ર ૨૯ રન આપીને ૫ વિકેટ ઝડપી હતી. જેના પગલે વેસ્ટ ઇન્ડિઝની ટીમ ૨૬.૨ ઓવરમાં માત્ર ૧૦૩ રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી અને ભારતીય વીમેન ટીમનો આજે કોટંબી સ્ટેડિયમ ખાતે ૨૧૧ રને શાનદાર વિજય થયો હતો.

ભારત સામે વેસ્ટ ઇન્ડિઝની વીમેન સ્ક્વોડ ઘૂટંણિયે પડી, 211 રને કારમી હાર 3 - image

ઇન્ડિયા... ઇન્ડિયા... અને ભારત માતા કી જયના નારાઓથી સ્ટેડિયમ સતત ગુંજતુ રહ્યું

વડોદરામાં લાંબા સમય બાદ ઇન્ટરનેશન ક્રિકેટ મેચનું આયોજન થયુ છે. તે પણ વડોદરાના પોતાના આંતરરાષ્ટ્રીય કક્ષાના નવ નિર્મિત સ્ટેડિયમમાં મેચ યોજાઇ હોવાથી બરોડા ક્રિકેટ એસોસિએશનની અપેક્ષા કરતા પણ વધુ દર્શકો ઉમટી પડયા હતા.

સ્ટેડિયમમાં હજુ કામ બાકી હોવાથી ૬૦ ટકાથી વધુ ભાગ બંધ રાખવામાં આવ્યો હતો પરંતુ દર્શકોની સંખ્યા વધતા બંધ રખાયેલા ભાગમાંથી પણ કેટલોક ભાગ ખોલવો પડયો હતો. વીમેન ક્રિકેટમાં આટલી મોટી સંખ્યામાં દર્શકો ઉમટેલા જોઇને વેસ્ટ ઇન્ડિઝની ટીમને પણ આશ્ચર્ય થયુ હતું. બન્ને ટીમના કેપ્ટન વચ્ચે ટોસ ઉછળથા જ ઇન્ડિયા... ઇન્ડિયા..... અને ભારત માતા કી જયના નારાઓથી સ્ડેડિયમ ગુંજી ઉઠયુ હતું. આ નારાઓ મેચ પુરી થઇ ત્યાં સુધી સતત ચાલતા રહ્યા હતા. દર્શકોનો ઉત્સાહ પણ ચરમસીમાએ જોવા મળ્યો હતો તેમા પણ ભારતીય ટીમની જીત થતાં દર્શકો ઝુમી ઉઠયા હતા.

ભારત સામે વેસ્ટ ઇન્ડિઝની વીમેન સ્ક્વોડ ઘૂટંણિયે પડી, 211 રને કારમી હાર 4 - image

દિલ્હીની સાયકોલોજી ગ્રેજ્યુએટ પ્રતિકા રાવલે ડેબ્યુ મેચમાં 40 રન ફટકાર્યા

દિલ્હી તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમતી ૨૪ વર્ષની સાયકોલોજી ગ્રેજ્યુએટ પ્રતિકા રાવલે આજે કોટંબી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં ઇન્ટરનેશનલ ડેબ્યુ કર્યુ છે. પ્રતિકા રાવલ આજે તેના પ્રથમ ઇન્ટરનેશનલ મેચમાં સ્મૃતિ મંધાના સાથે ઓપનિંગ જોડીમાં મેદાન ઉપર ઉતરી હતી અને ૬૯ બોલમાં ૪ બાઉન્ડ્રી સાથે ૪૦ રન કર્યા હતા. આજે ડેબ્યુ સાથે તે ભારતીય વીમેન ટીમની ૧૫૦માં પ્લેયર પણ બની છે. દિલ્લી તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમતા તેનો સર્વાધિક સ્કોર ૧૬૧ બોલમાં ૧૫૫ રનનો છે.

ભારત સામે વેસ્ટ ઇન્ડિઝની વીમેન સ્ક્વોડ ઘૂટંણિયે પડી, 211 રને કારમી હાર 5 - image

બોડી પેઇન્ટ કરીને આવેલો અમદાવાદનો ક્રિકેટ પ્રેમી આકર્ષણનું કેન્દ્ર બન્યો

કોટંબી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી વીમેન ઇન્ટરનેશનલ વન-ડેમાં અમદાવાદથી આવેલો ક્રિકેટ પ્રેમી યુવક અરૃણ હરિયાણી આકર્ષનું કેન્દ્ર બન્યો હતો. અરૃણ તેના શરીર ઉપર તિરંગાનું બોડી પેઇન્ટ કરાવ્યુ હતું. સાથે તિરંગો ઝંડો લહેરાવતો હતો અને સ્ટેડિયમના દરેક સ્ટેન્ડમાં ફરતો હતો. દર્શકો પણ તેની સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા હતા.

અરૃણે કહ્યું હતું કે ગુજરાતમાં જે પણ સ્થળે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ હોય હું ત્યાં પહોંચી જઉ છું. આ પહેલા પણ વડોદરામાં જ્યારે ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે વીમેન વન ડે ઇન્ટરનેશનલ હતી ત્યારે પણ હું આવ્યો હતો. તે સિરિઝ પણ આપણે જીત્યા હતા અને આ સિરિઝ પણ આપણે જીતીશું


Google NewsGoogle News