વડોદરાનો વેપારી હની ટ્રેપની માયાજાળમાં વેતરાયો, સુંદર યુવતી નાણાં ખંખેરી રફૂચક્કર!!

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
વડોદરાનો વેપારી હની ટ્રેપની માયાજાળમાં વેતરાયો, સુંદર યુવતી નાણાં ખંખેરી રફૂચક્કર!! 1 - image


Vadodara Honey Trap Case : સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલ પશ્વિમ બંગાળની યુવતી વડોદરાના વેપારી સાથે હોટલમાં રોકાયા બાદ યુવતી વેપારીને કેફી પીણું પીવડાવી બેભાન કર્યા બાદ સોનાની ચેન અને પર્સમાંથી રોકડા રૂ.50 હજાર મળી રૂ.1.10 લાખની મતાની લૂંટ ચલાવી ફરાર થઇ જવા પામી છે. ભોગ બનનાર વેપારીએ પોતે હનીટ્રેપનો શિકાર થયાની જાણ થતાં યુવતી વિરુદ્ધ સયાજીગંજ પોલીસ મથકે અરજી આપ્યાના ત્રણ દિવસ થઇ ગયા છતાં હજુ સુધી પોલીસે કોઈ ઠોસ કાર્યવાહી કરી નથી.

વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ ખાતે રહેતા બ્રોકર સાથે પશ્વિમ બંગાળની કલ્પના રોય નામની યુવતી છેતરપિંડી આચરી ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, બીજી ઓગસ્ટના રોજ ભોગ બનનાર વેપારીની પશ્વિમ બંગાળ ખાતે રહેતી મહિલા મિત્ર કલ્પના રોય ફ્લાઈટ મારફતે માટે વડોદરા આવી પહોંચી હતી. અને યુવતી પાંચ થી છ દિવસ માટે વડોદરા રોકાવવાની હોય સયાજીગંજ વિસ્તારમાં આવેલ ડેરી ડેન સર્કલ પાસેની અદિતિ હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. દરમિયાન 8 ઓગસ્ટના રોજ બપોરના બે વાગ્યાના સુમારે હોટેલના રૂમમાં વેપારી નિંદ્રામાં હતા. જેનો લાભ ઉઠાવી કલ્પના વેપારીના પર્સમાંથી 50 હજાર રોકડા તથા સોનાની ચેન લઈ ફરાર થઈ ગઈ છે. તપાસ કરતા યુવતીનો કોઈ પતો લાગ્યો ન હતો અને મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો.

હની ટ્રેપની આ ઘટનામાં ફરિયાદીએ અરજી આપ્યાને ત્રણ દિવસ થઇ ગયા હોવા છતાં સયાજીગંજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં ન આવતા પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે. અને જાણે આવા વેપારીઓને હની ટ્રેપની માયાજાળમાં ફસાવવાનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું હોય તેમ રોકડ રકમ અને સોનાની ચેન મળી 1.10 લાખની મત્તા સાથે ફરાર થયેલ યુવતીના પતિ દ્વારા કારેલીબાગ પોલીસને મારી પત્નીને સયાજીગંજની હોટલમાં ગોંધી રાખવામાં આવી હોવાની અરજી કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, ફરિયાદીએ પોલીસને પુરાવા રૂપે યુવતીના સીસીટીવી ફૂટેજ આપ્યા છે. મળતી વિગતો મુજબ, ફરાર યુવતીનું લાસ્ટ લોકેશન અમદાવાદ શહેરમાં દર્શાવ્યું છે. પરંતુ પોલીસ યુવતીની શોધખોળના સ્થાને માત્ર જવાબ લખવામાં સમય વ્યતિત કરતી હોવાનું કહેવાય છે.

વડોદરામાં હની ટ્રેપના કિસ્સામાં વેપારીઓ ફસાયા હતા 

અગાઉ આ પ્રકારે હની ટ્રેપનો શિકાર બનાવી લોકો પાસેથી નાણા ખંખેરવાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. કેટલાક કિસ્સામાં પોલીસની કાર્યવાહી પણ શંકાશીલ બની છે. જેમાં ફરિયાદી અથવા આરોપી પાસેથી સેટલમેન્ટ માટે નાણા પડાવવા દબાણના કિસ્સા પણ પ્રકાશમાં આવી ચૂક્યા છે. ત્યારે અહીં પણ ચોરી ઉપર સે સીના જોરી જેવો ઘાટ સર્જાયો છે. કારણ કે આ પ્રકારે, અગાઉ પણ વડોદરા શહેરમાં ત્રણથી ચાર વેપારીઓ શિકાર બન્યા હોવાની ઘટના ઘટી ચૂકી છે.



Google NewsGoogle News