Get The App

મોરબીની સબ જેલમાં બંધ કેદીએ ઈન્સ્ટાગ્રામ લાઈવ કર્યું : દારૂની મહેફિલનો વીડિયો પણ વાયરલ

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
મોરબીની સબ જેલમાં બંધ કેદીએ ઈન્સ્ટાગ્રામ લાઈવ કર્યું  : દારૂની મહેફિલનો વીડિયો પણ વાયરલ 1 - image


વીડિયો વાયરલ થતાં જેલ પ્રશાસનમાં દોડધામ મચી  : પોલીસ ટીમ જેલ ખાતે ચેકિંગ માટે દોડી ગઇઃ વીડિયો ક્યારનો છે તે દિશામાં પણ તપાસનો ધમધમાટ  હાથ ધરાયો 

મોરબી, : મોરબીની સબ જેલ છાશવારે માધ્યમોમાં ચમકતી રહે છે.હજુ તો 14 દિવસ પૂર્વે જ જેલમાંથી માવા મળી આવતા દોઢેક માસ પૂર્વે જ નીમાયેલા જેલરની બદલી થઇ હતી.તો હવે મોરબી સબ જેલમાં બંધ ગેંગ રેપના આરોપી કાચા કામના કેદીએ ઈન્સ્ટાગ્રામ લાઈવ કર્યું તેમજ વધુ  એક દારૂની મહેફિલ માણતો વિડીયો વાયરલ થતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

મોરબીની સબજેલમાં ગેંગ રેપના કેસમાં બંધ બાબુ દેવા કનારા કાચા કામના કેદીએ ઈન્સ્ટાગ્રામ લાઈવ કર્યાનો વિડીયો સાશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.જેને પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો.એટલું અપૂરતું હોય તેમ બપોરે બીજો એક વિડીયો વાયરલ થયો હતો.જેમાં આ જ કાચા કામનો કેદી દારૂની મહેફિલ માણતો જોવા મળતો હતો.વાયરલ થયેલા બન્ને વિડીયોને પગલે જેલ પ્રસાશનમાં દોડધામ મચી ગઈ હતી.તો ડીવાયએસપી અને એસઓજી સહિતની ટીમો ચેકિંગ માટે સબ જેલ દોડી ગઈ હતી.

વાયરલ વિડીયો મામલે જેલર એચ. એ. બાબરિયાએ જણાવ્યું હતું કે તેઓએ જેલર તરીકે ગત તા.  11-11-2024 ના રોજ ચાર્જ સંભાળ્યો છે.વિડીયો મામલે મોરબી સબ જેલમાં ડીવાયએસપી ટીમ દ્વારા ત્રણ કલાક ઝડતી તપાસ કરવામાં આવી હતી. જેમાં કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુ મળી નથી.અગાઉ આ આરોપી ભુજ જેલમાં હતો.અને વિડીયો અગાઉનો હોય શકે છે.કારણકે વિડીયોમાં દાઢી ઓછી છે.જયારે હાલ આરોપીની વધુ દાઢી હોવાનું જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી સબ જેલમાં ૪૦ માવા પકડાયા હતા. ચેકિંગ દરમિયાન માવા મળી આવ્યા હતા. તેમજ અન્ય ખામીઓ ધ્યાને આવતા જેલર સુજાનસિંહ ચુડાસમાની તાત્કાલિક અસરથી રાજકોટ જેલ ખાતે બદલી કરવામાં આવી હતી. તે સમયે બદલી પામેલા સુજાનસિંહ ચુડાસમા માત્ર દોઢેક માસ પૂર્વે જ મોરબી નિમણુંક પામ્યા હતા. અને આટલા ટૂંકાગાળામાં તેની બદલી કરવાની ફરજ પડી હતી. જે બનાવના માત્ર 14 દિવસ વીત્યા બાદ ફરી સબ જેલ વાયરલ વિડીયો મુદે વિવાદમાં આવી છે. 

વીડિયોમાં દેખાતો અન્ય આરોપી પાકિસ્તાની નાગરિક ડ્રગ્સ કેસનો આરોપી 

વાયરલ વિડીયોમાં ગેંગ રેપ આરોપી પાછળ દેખાતો ઇસમ પાકિસ્તાની નાગરિક હોવાનું ખુલ્યું છે. હસન ભટ્ટી નામના પાકિસ્તાની નાગરિકને એટીએસ ટીમે ડ્રગ્સ કેસમાં ઝડપી લીધો હતો. જે આરોપી 12-05થી મોરબી જેલમાં ટ્રાન્સફર કરાયો છે. અગાઉ તે પણ ગેંગ રેપ આરોપી સાથે ભુજ જેલમાં બંધ હતો. જોકે મોરબી સબ જેલમાં બંને આરોપીને અલગ બેરેકમાં રાખ્યા હોવાની માહિતી સબ જેલના અધિકારી પાસેથી પ્રાપ્ત થઇ છે.



Google NewsGoogle News