લાઈટ-પંખા વગર રહીશું પણ સ્માર્ટ મીટર ના જોઈએ, સમા-અકોટાની વીજ કચેરીઓ ખાતે મહિલાઓનો હંગામો

Updated: May 21st, 2024


Google NewsGoogle News
લાઈટ-પંખા વગર રહીશું પણ સ્માર્ટ મીટર ના જોઈએ, સમા-અકોટાની વીજ કચેરીઓ ખાતે મહિલાઓનો હંગામો 1 - image


વડોદરામાં આકાશમાંથી વરસી રહેલી અગન જવાળાઓ વચ્ચે પણ લોકોએ સ્માર્ટ મીટરનો વિરોધ ચાલુ રાખ્યો છે.શહેરના સમા અને અકોટા વિસ્તારની વીજ કચેરીઓ પર ફરી આજે મહિલાઓના મોરચા સ્માર્ટ મીટરના વિરોધમાં પહોંચ્યા હતા. જ્યાં મહિલાઓએ ઉગ્ર રજૂઆતો કરીને જે સ્માર્ટ મીટરો ફિટ થયા છે તે તાત્કાલિક કાઢી નાંખવામાં આવે તેવી માંગ કરી હતી.

મોબાઈલમાં વીજ વપરાશ જોતા નથી આવડતુ

સમા તળાવ પાસે આવેલી વીજ કચેરી ખાતે પહોંચેલી મહિલાઓએ અલગ અલગ રજૂઆતોમાં જણાવ્યુ હતુ કે, સ્માર્ટ મીટરો લાગ્યા બાદ રોજનુ ૭૦ થી ૮૦ રૂપિયા બિલ આવી રહ્યુ છે.ગત ઉનાળામાં ૩૫૦૦ થી 4000 રૂપિયા  બિલ આવ્યુ હતુ.એટલુ બિલ તો એક જ મહિનામાં આવી જશે તેમ લાગે છે.અમે બધા ગરીબ પરિવારના છે.લોકોના ઘરોમાં કામ કરવા જઈએ છે અને મોબાઈલ જોતા પણ આવડતુ નથી તો રિચાર્જ કેવી રીતે કરવાના હતા? દર પંદર દિવસે બિલ ભરવાનુ પોસાતુ નથી. અમને તો જૂના મીટરો જોઈએ છે.

દર દસ દિવસે રિચાર્જ કરાવવાની અમારી ક્ષમતા નથી

મહિલાઓએ કહ્યુ હતુ કે, પહેલા બે મહિને બિલ ભરતા હતા અને તેમાં પણ ૧૦ દિવસનો સમય મળતો હતો.હવે દર દસ દિવસે રિચાર્જ કરવાનો વારો આવી રહ્યો છે. જે અમારી ક્ષમતા બહારની વાત છે.૧૦૦૦૦ રૂપિયામાં ઘર ચલાવવાનુ હોય છે તો વારંવાર રિચાર્જ કેવી રીતે કરવાના હતા?

બિલ વધારે આવશે તેવા ડરથી લાઈટ-પંખા ચાલુ કરતા  નથી

મહિલાઓની ફરિયાદ હતી કે, મોબાઈલમાં વીજ વપરાશ જોવાની ખબર પડતી નથી.બિલ એટલુ આવે છે કે, હવે તો લાઈટ અને પંખા ચાલુ ના કરવા પડે એટલે સાંજ પડતા ઘરની બહાર બેસીએ છે. સ્માર્ટ મીટર આવ્યા બાદ વારંવાર વીજળી જતી રહે છે. આ ગરમીમાં વીજળી વગર કોઈને હાર્ટ એટેક આવી ગયો તો કોણ જવાબદાર હશે? વીજ કંપની કે સરકાર અમારૂ ભરણ પોષણ કરવા આવવાની નથી.

હાઈ ફાઈ સોસાયટીમાં સ્માર્ટ મીટર નાંખવા કેમ નથી જતા

એક મહિલાએ  કહ્યુ હતુ કે, હાઈ ફાઈ સોસાયટીમાં કેમ સ્માર્ટ મીટરો નાંખવા માટે નથી જતા.અમારા ગરીબોના ઘર જ મળ્યા...પણ હવે નક્કી કરી દીધુ છે કે, લાઈટ પંખા વગર રહીશું પણ સ્માર્ટ મીટર તો ના જ જોઈએ. જો સ્માર્ટ મીટર ચાલુ રાખવુ હોય તો સરકાર જ અમારૂ બિલ ભરે.

રજૂઆત કરવા આવીએ તો સાહેબો મળતા નથી

અકોટાની વીજ કચેરી પર પણ ફરી સ્માર્ટ મીટરના વિરોધમાં મોરચો પહોંચ્યો હતો. જેમાં મોટાભાગે મહિલાઓ જ હતી. મહિલાઓએ કચેરીમાં ખાલી ખુરશી ટેબલો બતાવીને આક્ષેપ કર્યો હતો કે, જ્યારે પણ રજૂઆત કરવા આવીએ છે ત્યારે સાહેબો હાજર હોતા જ નથી અથવા અમને જોઈને ભાગી જાય છે. ગરીબોની હાય લાગવાની છે.

મહિલાઓનો મોરચો જોઈને પોલીસ બોલાવી 

મહિલાઓ કહ્યુ હતુ કે, લોકો જો એક હદથી વધારે રોષે ભરાયા તો પરિણામ ખરાબ આવશે અને તેના માટે સરકાર જવાબદાર હશે. જો સ્માર્ટ મીટર નથી જ લગાવવાના તો જ્યાં લગાવ્યા છે ત્યાંથી પણ કાઢી નાંખવામાં આવે. અમે શું ગુનો કર્યો છે?

દરમિયાન અકોટા કચેરી ખાતે લોકોના આક્રોશને જોતા વીજ કંપનીના કર્મચારીઓએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. એ પછી લોકોના ટોળા વિખેરાયા હતા.


Google NewsGoogle News